શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હરી સિંહ હાઈટ સ્ટ્રીટ નજીક આતંકીઓએ ગ્રેનેડ દ્વારા હુમલો કર્યો છે. આ હુમલામાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ગ્રેનેડ હુમલો ત્યારે થયો, જ્યારે ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ સખ્ત છે અને દરેક જગ્યાએ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.


ઘાયલોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ દ્વારા હાલ આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ગ્રેનેડ એટેક એ સમયે થયો છે જ્યારે ખીણ વિસ્તારમાં સખત કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક જગ્યાએ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારથી જ ખીણ વિસ્તારોમાં પર્યટકોને ફરવા માટે છૂટ આપવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 રદ્દ થયા પછી પણ પથ્થરમારો અટકવાનું નામ નથી લેતો. 5 ઓગસ્ટથી લઈને અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં 300થી વધારે પથ્થરમારાની ઘટના સામે આવી ચૂકી છે. જોકે સેના અને સરકાર તરફથી ખીણમાં સતત સ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.