જમ્મુ કાશ્મીર:   જમ્મુ-કાશ્મીરમાં દોઢ કલાકની અંદર આતંકીઓએ ત્રણ લોકોની હત્યા કરી છે.  આતંકીઓએ ત્રણ હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે. પ્રથમ હુમલો કાશ્મીરના જાણીતા ફાર્મસી કારોબારી પર થયો. ત્યારબાદ શ્રીનગરના મદીન સાબિબમાં એક સ્ટ્રીટ હોકર પર આતંકીઓએ ગોળીઓનો વરસાદ કર્યો અને હવે બાંદીપુરા જિલ્લામાં એક સામાન્ય નાગરિકની ગોળીમારી હત્યા કરી દીધી છે. 



મંગળવારે જમ્મુ -કાશ્મીરમાં ત્રણ અલગ અલગ ઘટનાઓમાં આતંકવાદીઓએ ત્રણ લોકોની હત્યા કરી હતી. આતંકવાદીઓએ ઇકબાલ પાર્ક વિસ્તારમાં શ્રીનગરની પ્રખ્યાત ફાર્મસીના માલિક માખનલાલ બિન્દરૂની તેમના કારોબાર પરિસરમાં સાંજે 7.30 વાગ્યે ગોળી મારી હત્યા કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હુમલાખોરોએ બિન્દરૂ (68) ને નજીકની રેન્જથી ગોળી મારી જ્યારે તે તેની ફાર્મસીમાં હતો.



તેમણે કહ્યું કે બિન્દરૂને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. કાશ્મીરી પંડિત સમુદાયના બિન્દરૂ, 1990 માં જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદ ફાટી નીકળ્યા પછી સ્થળાંતર ન કરનારા કેટલાક લોકોમાં હતા. તેઓ અહીં તેમની પત્ની સાથે રહ્યા અને તેમની ફાર્મસી 'બિંદુ મેડિકેટ' ચલાવવાનું ચાલુ રાખ્યું.


આ પછી, લગભગ 8.30 વાગ્યે, આતંકવાદીઓએ લાલ બજાર વિસ્તારમાં પાણીપૂરીની લારી ચલાવતા વિક્રેતા વીરેન્દ્ર પાસવાનની હત્યા કરી હતી. વિરેન્દ્ર પાસવાન બિહારના ભાગલપુરનો રહેવાસી છે. જમ્મુ -કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ શોક વ્યક્ત કર્યો છે. 'પાણી પૂરી  વેચતા એક ગરીબ, બિન-સ્થાનિક  સ્ટોલ માલિકને ગોળી મારી દેવામાં આવી છે અને તેનું મૃત્યુ થયું છે. અમારી પાસે નિંદા કરવા માટે શબ્દો નથી. તેમના આત્માને શાંતિ મળે. ''


આ પછી, લગભગ 8.45 વાગ્યે, આતંકીઓએ બાંદીપોરાના શાહગુંડ વિસ્તારમાં એક સામાન્ય નાગરિકની હત્યા કરી. જમ્મુ -કાશ્મીર પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ મોહમ્મદ શફી લોન તરીકે થઈ છે, જે નાયદખાયનો રહેવાસી છે. આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકીઓને પકડવા માટે શોધખોળ ચાલી રહી છે.


પોલીસે જણાવ્યું કે, આતંકીઓએ જે વ્યક્તિને નિશાન બનાવ્યો છે તેની ઓળખ નાયદખાઈ નિવાસી મોહમ્મદ શફી લોનના રૂપમાં થઈ છે. આ વિસ્તારની ઘેરાબંધી કરી આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ સંપૂર્ણ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ઘટનાવાળા ક્ષેત્રમાં પોલીસની તૈનાતી પણ કરી દેવામાં આવી છે.