પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 16મી બ્રિક્સ શિખર સમ્મેલન દરમિયાન કઝાનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય બેઠક યોજી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, "હું તમારી મિત્રતા, ઉષ્માભર્યું સ્વાગત અને આતિથ્ય માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. બ્રિક્સ શિખર સમ્મેલન માટે કઝાન જેવા સુંદર શહેરમાં આવવાની તક મળી તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. આ શહેર સાથે ભારતના ઊંડા અને ઐતિહાસિક સંબંધો છે. કઝાનમાં ભારતના નવા દૂતાવાસ શરૂ થવાથી આ સંબંધો વધુ મજબૂત થશે.
પ્રધાનમંત્રી મોદી કહ્યું, "હું છેલ્લા કેટલાક મહિનામાં બીજી વખત રશિયા આવ્યો છું. હું આ વર્ષે જુલાઈમાં મોસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિનને મળ્યો હતો. આ બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને દર્શાવે છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, "રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને હું સતત રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સંપર્કમાં છું. ભારત માને છે કે સંઘર્ષનો ઉકેલ શાંતિપૂર્ણ હોવો જોઈએ. અમે માનવ જાતિને ધ્યાનમાં રાખીને શાંતિ અને સ્થિરતાનું સર્મથન કરીએ છીએ." અમારા તમામ પ્રયાસ માનવતાને પ્રાધાન્ય આપવાનું છે. આવનારા સમયમાં તેના માટે ભારત દરેક સંભવ સહયોગ આપવા માટે તૈયાર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની દ્વિપક્ષીય બેઠક બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું, "મને યાદ છે કે અમે જુલાઈમાં મળ્યા હતા. ત્યારે ઘણા મુદ્દાઓ પર ખૂબ સારી ચર્ચા થઈ હતી. આજે પણ અમે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. અમે ઘણી વખત ફોન પર વાત કરી. હું ખૂબ જ ખુશ છું. આ માટે તમારો આભારી છું."