Kerala AIDS Awareness Campaign: કેરળ રાજ્ય એઇડ્સ કંન્ટ્રોલ સોસાયટી (KSACS) એ એઇડ્સ અને જાતીય રોગો (STI) વિશે એક એવી જાહેરાત તૈયાર કરી છે, જેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. આ અભિયાનમાં વિશ્વના સૌથી હાઇ-ટેક ફાઇટર એરક્રાફ્ટ F-35 ને કોન્ડોમ જેવા કવરમાં લપેટેલું બતાવવામાં આવ્યું છે. તેની સાથે લખ્યું છે, "Stealthy? Still Need Protection!" એટલે કે, "ભલે છૂપાયેલું હોય, પરંતુ સુરક્ષા જરૂરી છે." આ મેસેજ સ્પષ્ટ છે કે તમે ગમે તેટલા સ્માર્ટ, સ્ટાઇલિશ અથવા 'સ્ટીલ્થી' કેમ ના હોય, તમે જાતીય સુરક્ષાને અવગણી શકો નહીં. આ જાહેરખબર એવા સમયે આવી છે જ્યારે F-35 ઘણી ઘટનાઓને કારણે સમાચારમાં છે.
જાન્યુઆરી 2025માં અલાસ્કામાં એક F-35 ક્રેશ થયું હતું, અને જૂન 2025માં એક બ્રિટિશ F-35 એ કેરળના ત્રિવેન્દ્રમ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.
આ અભિયાન શા માટે ખાસ છે?
F-35 જેટને સામાન્ય રીતે અમેરિકા અને નાટો દેશોની લશ્કરી શક્તિ તરીકે જોવામાં આવે છે. પરંતુ કેરળ સરકારે આ 'હાઇ-ટેક' છબીનો ઉપયોગ ખૂબ જ સર્જનાત્મક રીતે HIV અને STI નિવારણના ગંભીર વિષયને લોકો સુધી પહોંચાડવા માટે કર્યો છે. F-35ની તસવીર સાથે પારદર્શક કોન્ડોમ બતાવવું ધ્યાન આકર્ષિત કરે છે અને સાથે સાથે તે રમૂજી પણ છે અને ખૂબ જ દમદાર સંદેશ પણ આપે છે.
કેરળમાં કેમ શરૂ કરવામાં આવ્યું આ કેમ્પેઈન?
કેરળનો સાક્ષરતા દર 93.91 ટકા છે અને ત્યાંની જાગૃત જનતા આવા ઝૂંબેશ માટે તૈયાર છે. રાજ્યની આરોગ્ય એજન્સીઓ પહેલાથી જ STI અને HIV જેવા મુદ્દાઓ પર અનેક ઈનોવેટિવ કેમ્પેઈન ચલાવી ચૂકી છે, પરંતુ આ ઝૂંબેશ સંપૂર્ણપણે 'આઉટ ઓફ બોક્સ' છે.
સંશોધન શું કહે છે?
2023ના CDC અભ્યાસ મુજબ, જો કોન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો HIV ચેપનું જોખમ 80 થી 90 ટકા સુધી ઘટાડી શકાય છે. આ જાહેરાતનો હેતુ આ છે - લોકોને યાદ અપાવવાનો કે 'સ્માર્ટનેસ' કરતાં 'સુરક્ષા' વધુ મહત્વપૂર્ણ છે.
આ પ્રકારની ઝૂંબેશ સાબિત કરે છે કે ગંભીર વિષયોને હળવાશથી અને નવીન રીતે રજૂ કરીને લોકોને યોગ્ય સંદેશ આપી શકાય છે.