તિરુવનંતપુરમ: દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે કેરળ વિધાનસભામાં નાગરિકતા સંશોધન કાયદાને રદ કરવાની માંગવાળો પ્રસ્તાવ પાસ થયો છે. સત્તાપક્ષ સીપીએમના નેતૃત્વવાળા ગઠબંધન એલડીએફ અને કૉંગ્રેસના નેતૃત્વવાળા વિપક્ષી ગઠબંધન યૂડીએફએ વિધાનસભામાં CAAના વિરોધવાળા પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. જ્યારે ભાજપના એકમાત્ર સભ્યએ તેનો વિરોધ કર્યો હતો.


મુખ્યમંત્રી પિનરાયી વિજયને CAAને રદ કરવાની માંગ કરતો પ્રસ્તાવ વિધાનસભમાં રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે નાગરિકતા સંશોધન એક્ટ ધર્મનિરપેક્ષની દ્રષ્ટિ વિરુદ્ધ અને બંધારણના આધારભૂત મુલ્યો અને સિદ્ધાંતોના વિરોધાભાસી છે.

તેઓએ કહ્યું, દેશના લોકો વચ્ચે ચિંતાને જોતા કેન્દ્ર સરકારે CAAને પરત લેવા માટે પગલા લેવા જોઈએ અને સંવિધાનને ધર્મનિર્પેક્ષની દ્રષ્ટિએ સમાનતા રાખવી જોઈએ. કેરળ દેશની પ્રથમ એવી વિધાનસભા છે જેમાં CAA લાગુ કરવા અને જનસંખ્યા રજિસ્ટર બનાવવાની કવાયતના વિરોધમાં આ પ્રસ્તાવ પાસ કર્યો છે.

વિધાનસભામાં ભાજપના એકમાત્ર ધારાસભ્ય ઓ રાજગોપાલે પ્રસ્તાવ પર કહ્યું, આ ગેરબંધારણીય છે. કારણ કે સંસદના બન્ને સદનોએ આ કાયદાને પાસ કર્યો છે.