નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદાને લઈને કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને 11 રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો છે. આ 11 રાજ્યમાં ઝારખંડ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્ર, બિહાર, આંધ્રપ્રદેશ, પુદુચેરી, મધ્ય પ્રદેશ, પંજાબ, રાજસ્થાન સામેલ છે. પિનારાઈ વિજયને પત્રમાં લખ્યું કે ધર્મનિરપેક્ષતા અને લોકતંત્રને બચાવવાની જરૂર છે. તેને બચાવવા માટે તમામ ભારતીઓએ એકજૂથ થવા માટે સમયની આવશ્યકતા છે.

તેમણે સીએએ વિરુદ્ધ વિધાનસભાના પ્રસ્તાવનો ઉલ્લેખ કરતા કહ્યું કે અન્ય રાજ્ય પણ આ પ્રકારના પ્રસ્તાવ માટે વિચાર કરી શકે છે.


ઉલ્લેખનીય છે કે, કેરળ વિધાનસભાએ નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કર્યો છે. જેમાં આ કાયદાને પરત લેવાની માંગ કરી છે. હવે તમિલનાડુ અને પંજાબના ધારાસભ્યોએ પણ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરવાની અપીલ કરી છે.

જો કે, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનું કહેવું છે કે કેરળ વિધાનસભામાં પાસ થયેલો પ્રસ્તાવ ગેરબંધારણીય છે અને તેની કોઈ કાયદાકીય માન્યતા નથી. તેમણે કહ્યું, સીએએ કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે. રાજ્ય સરકારની કોઈ ભૂમિકા નથી.