Kerala Corona Cases: દેશમાં કોરોનાની ત્રીજી લહેર ફરી વળી છે. છેલ્લા થોડા દિવસોથી રોજના બે લાખ કરતાં વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન કેરળમાં કોરોનાની સ્થિતિ વણસી છે. કેરળમાં કોરોનાના 55 હજારથી વધુ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 55,475 કેસ નોંધાયા છે અને 70 લોકોના મોત થયા છે. જ્યારે 30,226 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કેરળમાં એક્ટિવ કેસની સંખ્યા 2,85,365 છે, જ્યારે કુલ મૃત્યુઆંક 52,141 પર પહોંચ્યો છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સમગ્ર દેશમાં કોરોનાની બેકાબૂ ગતિ ચાલુ છે. જો કે, નવા કેસોમાં થોડો ઘટાડો ચોક્કસપણે જોવા મળી રહ્યો છે. આજે કોરોના સંક્રમણના 2,55,874 નવા કેસ સામે આવ્યા છે. અગાઉ સોમવારે કોવિડ-19ના 3 લાખ 6 હજાર 64 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 3,95,43,328 થઈ ગઈ હતી.
દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 7 ઓગસ્ટ 2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખને વટાવી ગઈ હતી. ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા.
19 ડિસેમ્બર 2020 ના રોજ, દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. ગયા વર્ષે, 4 મેના રોજ, સંક્રમિતોની સંખ્યા બે કરોડને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021ના રોજ, ત્રણ કરોડને વટાવી ગઈ હતી.