તિરુવનંતપુરમ: કેરળમાં ભારે વરસાદથી તબાહી મચી છે. રાજ્યના કોટ્ટાયમ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીમાં એક ઘર તણાઈ ગયું છે. ભારે વરસાદને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે, જેના કારણે 21 લોકોના મોત થયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, જોત જોતામાં પૂરમાં આખે આખું ઘર તણાઈ જાય છે. આઘાતજનક વીડિયોમાં જોઈ શકાય છે કે નદીના કિનારે બાંધેલું એક બે માળનું મકાન પહેલા ધીમે ધીમે એક બાજુ નમે છે. પછી અચાનક આખું ઘર નદીમાં સમાઈ જાય છે.


અકસ્માત સમયે ઘર ખાલી હતું, કેટલાક તે સમયે નજીકમાં ઉભા હતા. કેરળમાં આખી રાત સતત વરસાદ પડ્યો હતો, પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સવાર સુધીમાં તીવ્રતા ઘટી હતી. બે જિલ્લા કોટ્ટાયમ અને ઇડુક્કીમાં ભૂસ્ખલનની જાણ કરવામાં આવી છે. તે જ સમયે, કોટ્ટાયમમાં 12 લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.


નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ઉપરાંત સેના, નૌકાદળ અને વાયુસેના પણ બચાવ કામગીરી માટે દોડી આવી છે.






વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે પરિસ્થિતિ અંગે રાજ્યના મુખ્યમંત્રી પિનારાયી વિજયન સાથે વાત કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, "કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયન સાથે વાત કરી અને કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે પરિસ્થિતિ પર ચર્ચા કરી છે. અધિકારીઓ ઘાયલ અને અસરગ્રસ્તોની મદદ માટે કામ કરી રહ્યા છે.


સાથે જ પીએમ મોદીએ કહ્યું, 'હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.' તેમણે અન્ય એક ટ્વિટમાં કહ્યું, 'દુઃખની વાત છે કે કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેટલાક લોકોના મોત થયા. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે.