Kerala Politics: કેરળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) એ 140 માંથી 102 બેઠકો જીતીને શાનદાર વાપસી કરી છે. જોકે, 4 મે, 2026 ના રોજ પરિણામો આવી ગયા હોવા છતાં, રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે હજુ સસ્પેન્સ અકબંધ છે. હાલમાં મુખ્યમંત્રી પદની રેસમાં ત્રણ દિગ્ગજ નેતાઓ - વી.ડી. સતીસન, રમેશ ચેન્નીથલા અને કે.સી. વેણુગોપાલના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ હવે એવી ફોર્મ્યુલા શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે જેનાથી આ ત્રણેય નેતાઓ સંતુષ્ટ રહે અને પક્ષમાં કોઈ અસંતોષ ઊભો ન થાય.

આ પ્રક્રિયાને વેગ આપવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા નિયુક્ત બે ખાસ નિરીક્ષકો, મુકુલ વાસનિક અને અજય માકને શુક્રવારે (8 મે, 2026) પોતાનો રિપોર્ટ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સોંપી દીધો છે. આ રિપોર્ટમાં કેરળના નવા ચૂંટાયેલા ધારાસભ્યોના મંતવ્યો અને તેમની પસંદગીના નેતા વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી છે. હવે દિલ્હીમાં બેઠેલું મોવડી મંડળ આ રિપોર્ટના આધારે આગામી એક-બે દિવસમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરે તેવી શક્યતા છે.

રેસમાં સામેલ ત્રણ મુખ્ય દાવેદારો:

વી.ડી. સતીસન: સતીસન કેરળના રાજકારણમાં એક અત્યંત પ્રભાવશાળી નેતા ગણાય છે. પરાવુર બેઠક પરથી સતત જીતતા સતીસને વિપક્ષના નેતા તરીકે પક્ષને મજબૂત કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેમના નેતૃત્વમાં જ 2024 ની લોકસભા ચૂંટણીમાં UDF એ 20 માંથી 18 બેઠકો જીતી હતી. શુક્રવારે તેમના સમર્થકોએ તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે કેરળના અનેક ભાગોમાં દેખાવો પણ કર્યા હતા.

શું દેશમાં પેટ્રોલ-ડીઝલ, ગેસની અછત છે? પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે પીએમ મોદીએ લોકોને કરી આ અપીલ

કે.સી. વેણુગોપાલ: AICC ના સંગઠન મહાસચિવ વેણુગોપાલને રાહુલ ગાંધીના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. 2026 ની ચૂંટણી રણનીતિમાં તેમનો મોટો ફાળો રહ્યો છે. જોકે, તેમણે આ વખતે વિધાનસભાની ચૂંટણી લડી નથી. જો પક્ષ તેમને મુખ્યમંત્રી તરીકે પસંદ કરે, તો નિયમ મુજબ તેમણે આગામી 6 મહિનામાં ધારાસભ્ય તરીકે ચૂંટાવવું પડશે.

રમેશ ચેન્નીથલા: ચેન્નીથલા કેરળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને પૂર્વ ગૃહમંત્રી તરીકેનો અનુભવ ધરાવે છે. સંગઠન પર તેમની પકડ બહુ મજબૂત છે. આ વખતે તેમણે હરિપદ બેઠક પરથી સતત 6ઠ્ઠી વખત જીત મેળવીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી છે.

હાલ તો આ ત્રણેય દિગ્ગજો વચ્ચે ખરાખરીનો જંગ છે. હવે જોવાનું એ રહેશે કે હાઈકમાન્ડ અનુભવને પ્રાધાન્ય આપે છે કે પછી ભવિષ્યની રણનીતિને ધ્યાનમાં રાખીને કોઈ નવા ચહેરા પર મહોર મારે છે.

રાહુલ ગાંધીની હાજરીમાં તમિલનાડુના નવા CM વિજયની મોટી જાહેરાત: ‘મારા હાથમાં જ સત્તા....’