Kerala COVID Updates: કેરલમાં કોરોનાના  નવા કેસમાં  સતત વધારો થઇ રહ્યો છે. આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા નવા  આંકડો અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 22,414 કેસ નોંધાયા હતા. તે સિવાય 24 કલાકમાં 108 લોકોના મોત થયા હતા. રાજ્યમાં હાલમા 1,76,048 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. અત્યાર સુધીમાં 34,71,5563 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને તેમાંથી 32,77,788 લોકો કોરાનાને  મ્હાત આપી ચૂક્યા છે.



કોરોનાના વધતા કેસ વચ્ચે કેરલ સરકારે કોરોનાના  કેસને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવેલી લોકડાઉન નિયંત્રણોને હળવા કરી દીધા છે. સરકાર લાંબા લોકડાઉનના કારણે છેલ્લા કેટલાય સમયથી વિપક્ષ અને વેપારીઓની ટીકાનો સામનો કરી રહી હતી.


નવા દિશા નિર્દેશો અનુસાર સપ્તાહમાં છ દિવસ, સોમવારથી શનિવાર સુધી દુકાનો, બજાર, બેન્ક, આર્થિક સંસ્થાઓ, કારખાના, ઔધોગિક સંસ્થાઓ, પ્રવાસન સ્થળો ખુલ્લા રહી શકે છે. મુખ્ય સચિવ વીપી જોય દ્ધારા જાહેર આદેશમાં કહેવામાં આવ્યું છે કે ભીડથી બચવા માટે તમામ દુકાનો અને અન્ય પ્રતિઠ્ઠિત સંસ્થાઓ સવારે સાત વાગ્યાથી રાત્રે નવા વાગ્યા સુધી સંચાલિત કરી શકાશે અને નવા નિયંત્રણો પાંચ ઓગસ્ટથી લાગુ થશે. નોંધનીય છે કે દેશમાં સામે આવી રહેલા કોરોનાના નવા કેસમાં 49.85 ટકા કેસ કેરળથી આવી રહ્યા છે. સતત છ દિવસો સુધી 20 હજારથી વધુ કેસ આવ્યા બાદ સોમવારે રાજ્યમાં 13,984 કેસ, મંગળવારે 23,676 કેસની પુષ્ટી થઇ હતી.


કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે કેરળના મુખ્યમંત્રી સાથે રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઇને વાત કરી છે અને સ્થિતિને નિયંત્રણ માટે તેમનો સહયોગ માંગ્યો છે. માંડવિયાએ ટ્વિટમાં જણાવ્યું કે એનસીડીસીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારની ટીમ કેરલથી પાછી ફરી છે અને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. મે કેરલના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી છે અને રાજ્યમાં કોરોનાના વધતા કેસ મુદ્દે ચર્ચા કરાઇ છે.


અન્ય એક ટ્વિટમાં માંડવિયાએ કહ્યું કે, મે કેરલમાં વર્તમાન સ્થિતિને નિયંત્રિત કરવા વધુ સક્રીય ઉપાયો અને સાવધાની રાખવા માટે કેરલના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. મે સ્થિતિને નિયંત્રણમાં રાખવા રાજ્યનો સહયોગ માંગ્યો છે અને કેન્દ્ર સરકારના પૂર્ણ સમર્થનનું આશ્વાસન આપ્યું છે.