Thiruvananthapuram-Kasaragod Vande Bharat Train: વડાપ્રધાન મોદી બે દિવસીય કેરળ પ્રવાસે કોચ્ચી પહોંચ્યા છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોચ્ચીમાં રોડ શો કર્યો હતો અને હવે મંગળવારે કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. મળતી માહિતી મુજબ પીએમ આ દરમિયાન વોટર મેટ્રો પણ શરૂ કરશે. સોમવારે કોચ્ચીમાં લોકોએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું અને તેમના પર ફૂલોની વર્ષા કરી હતી.






આ દરમિયાન, વડાપ્રધાને રાજ્યની અગાઉની સરકારો પર આકરા પ્રહારો કર્યા અને યુવાનોને સંબોધિત કર્યા. શાસક લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ અને કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ પર હુમલો કરતા પીએમ મોદીએ રાજ્યની હાલની બે વિચારધારાઓને હરાવવાની વાત કરી હતી.


મંગળવારે પીએમ મોદી કેરળને પ્રથમ વંદે ભારત ટ્રેન ભેટ કરશે અને તે તિરુવનંતપુરમ અને કાસરગોડ વચ્ચે પ્રથમ વખત દોડશે. આ 16 કોચવાળી ટ્રેન તિરુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટયમ, એર્નાકુલમ, થ્રિસર, પાલક્કડ, પઠાનમથિટ્ટા, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ સહિત 11 જિલ્લાઓને આવરી લેશે. મળતી માહિતી મુજબ PM મોદી તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી સવારે 10.30 વાગ્યે વંદે ભારત એક્સપ્રેસને રવાના કરશે. સવારે 11 વાગ્યે વડા પ્રધાન તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમમાં 3200 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.


આ સિવાય પીએમ મોદી સાંજે 4 વાગ્યે નમો ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચની મુલાકાત લેશે. PM સાંજે 4.30 વાગ્યે દાદર અને નગર હવેલીમાં રૂ. 4850 કરોડના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને ત્યારબાદ સાંજે 6.10 વાગ્યે દમણમાં રોડ શો કરશે. સાંજે 6.30 વાગ્યે દમણમાં દેવકા સીફ્રન્ટનું ઉદ્ઘાટન પણ કરશે.


વોટર મેટ્રોનું પણ ઉદ્ઘાટન


તિરુવનંતપુરમ અને કાસરગોડ વચ્ચે ચાલનારી આ ટ્રેન 14 રેલવે સ્ટેશનો પર રોકાશે.  18 એપ્રિલના રોજ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેરળમાં પ્રથમ વંદે ભારત ટ્રેન ચલાવવાની જાહેરાત કરી હતી. હવે કેરળના લોકોની રાહ પૂરી થવા જઈ રહી છે અને 25 એપ્રિલે પીએમ મોદી તિરુવનંતપુરમથી તિરુવનંતપુરમ-કાસરગોડ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ ઉપરાંત વડાપ્રધાન વોટર મેટ્રોનું પણ ઉદ્ઘાટન કરશે.


કેરળની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચર્ચના પાદરીઓ સાથે મુલાકાત કરી હતી. એવું માનવામાં આવે છે કે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ ખ્રિસ્તીઓને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.