Supreme Court: સુપ્રીમ કોર્ટે સોમવારે (24 એપ્રિલ) એક મહત્વપૂર્ણ ટીપ્પણીમાં કહ્યું હતુ કે ન્યાયાધીશોએ પેન્ડિંગ કેસો પર મીડિયા આઉટલેટ્સને ઇન્ટરવ્યુ ન આપવા જોઈએ. કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશના વર્તન પર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. કલકાતા હાઈકોર્ટેના જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે વીડિયો ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેમણે રાજકીય રીતે સંવેદનશીલ મુદ્દાઓ પર તેમની બેન્ચના નિર્ણયો વિશે વાત કરી હતી. જસ્ટિસ ગંગોપાધ્યાયે પશ્ચિમ બંગાળની શાળાઓમાં ભરતીમાં થયેલી ગેરરીતિઓની તપાસ કરવા સીબીઆઈને ઓછામાં ઓછા 10 આદેશો આપ્યા છે.


ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે જસ્ટિસ ગંગોપાધ્યાયના વીડિયો ઈન્ટરવ્યુ પર નારાજગી વ્યક્ત કરી છે. બેન્ચના અન્ય જજ જસ્ટિસ પીએસ નરસિમ્હન છે.


પેન્ડિંગ કેસ પર ઇન્ટરવ્યુ આપી શકતા નથી


બેન્ચે કહ્યું હતુ કે  "ન્યાયાધીશો પાસે પેન્ડિંગ મામલાઓ પર ઈન્ટરવ્યુ આપવાનું કોઈ કામ નથી. જો આવું હશે તો તેઓ આ મામલાની સુનાવણી કરી શકતા નથી. તેમને કાર્યવાહીમાં ભાગ લેવાનો કોઈ અધિકાર નથી. અમે આ અંગે ખૂબ જ સ્પષ્ટ છીએ." આ સાથે બેન્ચે કલકત્તા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસેથી આ મામલે 28 એપ્રિલ સુધીમાં રિપોર્ટ માંગ્યો છે.


સુનાવણીમાંથી હટાવવામાં આવી શકે છે જજ


બેન્ચે વધુમાં કહ્યું કે જો ઈન્ટરવ્યુ અને ટ્રાન્સક્રિપ્ટ સાચી હોવાનું જણાય તો તે હાઈકોર્ટના ચીફ જસ્ટિસને મામલો નવી બેંચને મોકલવા માટે કહી શકે છે. ખંડપીઠે કહ્યું હતું કે  "અમે તપાસને સ્પર્શ કરીશું નહીં અથવા કોઈપણ એજન્સીને આ મામલાની તપાસ કરવાથી રોકતો કોઈ આદેશ પસાર કરીશું નહીં, પરંતુ જ્યારે કોઈ ન્યાયાધીશ ટીવી ડિબેટમાં અરજદાર વિશે પોતાનો અભિપ્રાય આપે છે, ત્યારે તે આ બાબતની સુનાવણી કરી શકે નહીં. ત્યારબાદ હાઈકોર્ટના વડાએ નવી બેંચની રચના કરવી પડશે."


રજીસ્ટ્રારને આપ્યો આદેશ


બેન્ચે રજિસ્ટ્રારને આદેશ આપ્યો હતો કે તેઓ તપાસ કરે કે શું જસ્ટિસ ગંગોપાધ્યાયે બંગાળી ટેલિવિઝન ચેનલ એબીપી આનંદાને ઈન્ટરવ્યુ આપ્યો હતો અને વીડિયોમાં રેકોર્ડ કરેલા તેમના નિવેદનોની સ્પષ્ટતા કરી હતી. અમે જાણવા માંગીએ છીએ કે શું ન્યાયાધીશે ઇન્ટરવ્યુ આપ્યો છે. તે એક ટીવી વિડિયો છે અને તેનું ખોટું અર્થઘટન કરી શકાય નહીં.


ઇન્ટરવ્યુમાં શું કહ્યું?


ગયા વર્ષે જસ્ટિસ ગંગોપાધ્યાયે એબીપી આનંદાને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં સીબીઆઈ તપાસના પોતાના આદેશને યોગ્ય ઠેરવતા તેમણે કહ્યું હતું કે શિક્ષકની ભરતી પ્રક્રિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. જસ્ટિસ ગંગોપાધ્યાયે એ જ ઈન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે ન્યાયતંત્રનો એક ભાગ ભાજપ સાથે જોડાયેલો હોવાના આરોપ લગાવવા બદલ ટીએમસીના મહાસચિવને ત્રણ મહિનાની જેલ થઈ શકે છે.