Mallikarjun Kharge Rajya Sabha speech highlights: સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં વાતાવરણ અત્યંત ગરમાયું હતું. કોંગ્રેસ અધ્યક્ષ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકારની વિદેશ નીતિ અને ઇતિહાસના અર્થઘટન પર આકરા પ્રહારો કર્યા હતા. ખડગેએ વડાપ્રધાન મોદીના બહુચર્ચિત ‘56 ઈંચની છાતી’ વાળા નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ચીન લદ્દાખમાં ઘૂસણખોરી કરી રહ્યું છે ત્યારે સરકાર મૌન કેમ છે? તેમના આ તેજાબી ભાષણને કારણે ગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો અને જે.પી. નડ્ડા સહિતના ભાજપના નેતાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

Continues below advertisement

‘ચીન સામે બોલવાની હિંમત નથી’: સરહદ સુરક્ષા અને અર્થતંત્ર પર સવાલ

મલ્લિકાર્જુન ખડગેએ લદ્દાખ સરહદની વર્તમાન સ્થિતિ અંગે સરકારને આડે હાથ લીધી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ચીની સેના ભારતીય વિસ્તારમાં સતત દબાણ વધારી રહી છે, પરંતુ કેન્દ્ર સરકાર તેને રોકવામાં નિષ્ફળ ગઈ છે. ખડગેએ કટાક્ષ કરતા કહ્યું, “56 ઈંચની છાતીની વાતો કરવાનો શું અર્થ, જ્યારે આપણી પાસે ચીન વિરુદ્ધ એક શબ્દ બોલવાની પણ હિંમત નથી?” આ ઉપરાંત, ભારતીય રૂપિયાના ધોવાણ પર પણ તેમણે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, રૂપિયો એવી રીતે ગગડી રહ્યો છે જાણે કોઈ વ્યક્તિ હિમાલય પરથી નીચે પડી રહી હોય. તેમણે પીએમ મોદીના 2020 ના નિવેદન ‘કોઈ ઘૂસ્યું નથી’ ને વાસ્તવિકતાથી વેગળું ગણાવ્યું હતું.

Continues below advertisement

‘જેમના પૂર્વજો અંગ્રેજો સાથે હતા, તેઓ સર્ટિફિકેટ ન આપે’: વંદે માતરમ વિવાદ

વંદે માતરમ ગીતને લઈને ચાલી રહેલા રાજકીય ઘમસાણમાં ખડગેએ કોંગ્રેસનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, "હું છેલ્લા 30-35 વર્ષથી આ ગૃહમાં છું અને 60 વર્ષથી વંદે માતરમ ગાઉં છું. કોંગ્રેસના અધિવેશનોમાં આ ગીત ગાવાની પરંપરા અમે જ શરૂ કરી હતી." ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, જ્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓ જેલમાં જઈ રહ્યા હતા, ત્યારે જે લોકો અંગ્રેજોની ચાપલૂસી કરતા હતા, તેઓ આજે અમને દેશભક્તિના પ્રમાણપત્રો વહેંચવા નીકળ્યા છે. ભાજપ આ ગીતનો ઉપયોગ માત્ર એક રાજકીય હથિયાર તરીકે કરી રહ્યું છે.

‘તમે નહેરુના પગની ધૂળ બરાબર પણ નથી’: ઇતિહાસ સાથે ચેડાંનો આરોપ

ખડગેએ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર ઇતિહાસને વિકૃત કરવાનો અને કોંગ્રેસના મહાન નેતાઓનું અપમાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે ગૃહને યાદ અપાવ્યું કે વંદે માતરમ સ્વીકારવાનો નિર્ણય જવાહરલાલ નહેરુ, ગાંધીજી, મૌલાના આઝાદ અને સુભાષચંદ્ર બોઝ જેવા દિગ્ગજોએ સામૂહિક રીતે લીધો હતો. સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું, “તમે નહેરુનું કદ ઘટાડવા ગમે તેટલા પ્રયત્નો કરો, તેઓ હંમેશા સર્વોચ્ચ સ્થાને રહેશે. જ્યારે તમારી વિચારધારા તળિયે છે અને તળિયે જ રહેશે.”

ગૃહમાં ભારે હોબાળો: ભાજપના સભ્યો લાલઘૂમ

ખડગેના આ આક્રમક તેવર અને વ્યક્તિગત પ્રહારોને કારણે સત્તાધારી પક્ષના સભ્યો રોષે ભરાયા હતા. ખડગેના ભાષણ દરમિયાન જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પોતાની સીટ પરથી ઉભા થઈ ગયા હતા અને વિપક્ષના નેતાના નિવેદનોનો સખત વિરોધ કર્યો હતો. આક્ષેપ-પ્રતિઆક્ષેપને કારણે રાજ્યસભામાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.