મુંબઈ: મંગળવારે મુંબઈ પોલીસે એલ.એચ હીરાનંદાની હોસ્પિટલના ચીફ એક્ઝેક્યુટીવ ઓફિસર અને ચાર ડોક્ટોરોની ગત મહિને પકડાયેલા કિડની રેકેટમાં ધરપકડ કરી છે.
મુંબઈ પોલીસના ડીસીપી અશોક દુધેએ જણાવ્યું છે કે પાંચ ડોક્ટરોની મંગળવારે સાંજે ધરપકડ કરવામાં આવી છે.
સીઈઓ ડો. સુજીત ચેટર્જી, મેડિકલ ડિરેક્ટર ડો. અનુરાગ નાઈક, ડો. મુકેશ શેત્યે, ડો. મુકેશ સાહા અને ડો. પ્રકાશ શેત્યેને માનવ અંગોની ટ્રાંસપ્લાંટેશન એક્ટ હેઠળ પકડવામાં આવ્યા છે.
જુલાઈ 14ના રોજ હિરાનંદાની હોસ્પિટલમાં એક કિડની ટ્રાંસપ્લાંટ ઓપરેશન અંગે પોલીસને બાતમી મળી હતી. જેમાં ડોનર અને દર્દી સંબંધી નહોતા.
બ્રીજકિશોર જૈસ્વાલ કે જેઓ દર્દી હતા તેમને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. કેમકે તેમને કિડની આપનાર મહિલા તેમની પત્ની નહોતી. પણ બંને દ્વારા ખોટા પેપર સબમીટ કરવામાં આવ્યા હતા.
આ પછી પોલીસે તપાસ શરૂ કરી હતી કે અન્ય કોઈએ આવી ખોટી રીતે કિડની મેળવી હતી કે કેમ અને તેમાં હોસ્પિટલના અધિકારીઓ શામેલ છે કે નહિ.