Kiran Kumar Reddy Joins BJP: આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડીએ આજે અચાનક જ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને સૌકોઈને ચોંકાવ્યા હતાં. કોંગ્રેસ સાથે છેડો ફાડતા જ તેઓ બીજેપીમાં જોડાઈ ગયા હતાં. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને સાથે તેમણે પાર્ટી છોડવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું.

કોંગ્રેસના પૂર્વ નેતા કિરણ કુમાર રેડ્ડીએ કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે કોંગ્રેસ છોડવી પડશે. એક કહેવત છે કે, મારો રાજા ખૂબ જ જ્ઞાની છે, તે ક્યારેય પોતાના માટે વિચારતો નથી કે તે કોઈની સલાહ સાંભળતો નથી. હું શું કહેવા માંગુ છું, તે તમે બધા જાણતા જ હશો.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી લોકોના અભિપ્રાયને સમજી શકતી નથી. પાર્ટી ન તો એનું વિશ્લેષણ કરી રહી છે કે ભૂલ શું છે અને ન તો તેઓ તેને સુધારવા માંગે છે. તેઓ વિચારે છે કે, માત્ર હું જ સાચો છું અને દેશના લોકો સહિત અન્ય બધા ખોટા છે. આ વિચારધારાને કારણે મેં પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો. રેડ્ડી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા અનિલ બલુનીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

'વાત પણ નથી કરતી'

પૂર્વ મુખ્યમંત્રી રેડ્ડીએ કહ્યું હતું કે, તેઓ (કોંગ્રેસનું નેતૃત્વ) માને છે કે, તેઓ સાચા છે અને ભારતના લોકો સહિત અન્ય તમામ લોકો ખોટા છે. તેઓ નિયંત્રણ જાળવવા માટે સત્તા ઇચ્છે છે, પરંતુ સખત મહેનત કરવા અથવા કોઈ જવાબદારી લેવા માંગતા નથી. કોંગ્રેસ સાથે તેમના પરિવારના છ દાયકાથી વધુ સમયના જોડાણને ટાંકીને તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ તમામ રાજ્યોમાં નુકસાન સહન કરી રહી છે પરંતુ તેનો હાઈકમાન્ડ અન્ય લોકો સાથે વાતચીત પણ નથી કરતું કે તેમનો અભિપ્રાય લેતું નથી.

કોણ છે કિરણ કુમાર રેડ્ડી?

આ વર્ષે માર્ચમાં રેડ્ડીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. સપ્ટેમ્બર 1959માં જન્મેલા રેડ્ડીએ 25 નવેમ્બર 2010 થી 01 માર્ચ 2014 સુધી અવિભાજિત આંધ્ર પ્રદેશના 16મા મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી. 2 જૂન 2014 ના રોજ તેલંગાણા રાજ્યની રચના પહેલા તેઓ સંયુક્ત આંધ્ર પ્રદેશના છેલ્લા મુખ્ય પ્રધાન હતા.