Punjab : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સિંહની કેબિનેટના 10 મંત્રીઓ આજે શપથ લીધા. માનની આ કેબિનેટમાં બે ખેડૂત, ત્રણ વકીલ, બે ડોક્ટર, એક સામાજિક કાર્યકર, એક એન્જિનિયર અને એક બિઝનેસમેનને મંત્રી બનાવવામાં આવ્યા છે. આ 10 મંત્રીઓમાં એક મંત્રીની ખુબ ચર્ચા થઇ રહી છે. આ છે પંજાબની નવી સરકારના એક માત્ર મહિલા મંત્રી ડો.બલજીત કૌર.


જાણો ડો.બલજીત કૌર વિશે 
પંજાબની નવી કેબિનેટમાં ડો.બલજીત કૌર એકમાત્ર મહિલા મંત્રી છે. બલજીત વ્યવસાયે ડૉક્ટર છે અને 18 વર્ષથી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરે છે. 46 વર્ષીય ડૉ. બલજીત શ્રીમુક્તસર સાહિબની મલોટ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે અકાલી દળના ઉમેદવાર હરપ્રીત સિંહને 40 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.


17 હજારથી વધુ ઓપરેશન કર્યા
ડૉ. બલજીત કૌર 18 વર્ષ સુધી સરકારી ડૉક્ટર હતા. ચૂંટણીમાં પણ તેઓ લોકોની સારવાર કરતા હતા. આમ આદમી પાર્ટી તરફથી ટિકિટ મળતાની સાથે જ તેમ ણે ડોક્ટરના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને પહેલી વાર ચૂંટણી જીતી હતી.


વારસામાં મળ્યું છે રાજકારણ
ડૉ.બલજીત કૌરને રાજકારણ વારસામાં મળ્યું છે. તેમના પિતા પ્રો. સાધુ સિંહ 2014માં ફરીદકોટની આમ આદમી પાર્ટીમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ડો. કૌર આંખના મોટા સર્જન છે. જ્યારે સરકારી હોસ્પિટલમાં તેમણે 17 હજારથી વધુ ઓપરેશન કર્યા છે. આ જ કારણ છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન તે જ્યાં પણ જતી હતી ત્યાં લોકો તેમની આંખોની સારવાર કરાવવા આવતા હતા. આવી સ્થિતિમાં તે પહેલા લોકોની સારવાર કરતા  અને બાદમાં પોતાના માટે મતની માંગણી કરતા હતા.


પંજાબમાં  10 નેતાએ લીધા કેબિનેટ મંત્રીના શપથ
પંજાબમાં આમ આદમી પાર્ટીએ શુક્રવારે મંત્રીમંડળની જાહેરાત કરી હતી. આ સભ્યોએ આજે કેબિનેટ મંત્રીના શપથ લીધા છે. મંત્રીમંડળમાં માત્ર 10 મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ બીજી વખત ધારાસભ્ય બનેલા માત્ર બે લોકોને જ મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે.


મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટર પર નવા મંત્રીમંડળની જાહેરાત કરી. જેમાં હરપાલ ચીમા (દિરબ), ડો.બલજીત કૌર (મલૌત), હરભજન સિંહ ઈટીઓ (જંડિયાલા), ડો. વિજય સિંગલા (મનસા), લાલ ચંદ કટારુચક (ભોઆ), ગુરમીત સિંહ મીત હેયર (બરનાલા), કુલદીપ સિંગ ધાલીવાલ (અજનાલા), લાલજીત સિંહ ભુલ્લર (પટ્ટી), બ્રહ્મ શંકર (હોશિયારપુર) અને હરજોત સિંહ બૈંસ (આનંદરપુર સાહિબ) સામેલ છે.