નવી દિલ્હી: દિલ્હી ભાજપના અધ્યક્ષ પદ પરથી મનોજ તિવારીને હટાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આદેશ કુમાર ગુપ્તાને દિલ્હી ભાજપના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

આદેશ કુમાર ગુપ્તા પટેલ નગરથી કોર્પોરેટર છે. તેઓ ઉત્તર દિલ્હી નગર નિયમના પૂર્વ મેયર પણ રહી ચુક્યા છે. બીજેપીએ વેપારી વર્ગને ખુશ કરવા આ ચહેરાની પસંદગી કરવામાં આવી હોવાનું કહેવાય છે. ઘણા લાંબા સમયથી થઈ રહેલી માંગ પ્રમાણે બીજેપીએ મનોજ તિવારીને હટાવીને દિલ્હી સાથે જોડાયેલા વ્યક્તિને અધ્યક્ષ બનાવ્યા છે. આદેશ ગુપ્તા એક સમયે ટ્યૂશન કરાવીને તેમનું ઘર ચલાવતા હતા.

આદેશ ગુપ્તા 1991માં છત્રપતિ સાહુજી મહારાજ યુનિવર્સિટી કાનપુરથી બીએસસીની ડિગ્રી મેળી છે. તેમની અત્યાર સુધીની રાજકીય સફર દાગ વગરની રહી છે. ચૂંટણી પંચમાં જમા કરાવેલા સોગંદનામા પ્રમાણે તેમની સામે એક પણ ગુનાહિત કેસ નથી.



મૂળ ઉત્તરપ્રદેશના આદેશ ગુપ્તા બીએસસી કર્યા બાદ નોકરીની શોધમાં દિલ્હી આવ્યા હતા. ઘણી જગ્યાએ ઈન્ટરવ્યૂ આપ્યા બાદ નોકરી ન મળતાં તેઓ ટ્યૂશન કરાવવા લાગ્યા. બે વર્ષ સુધી ટ્યૂશન કરાવ્યા બાદ તેમણે બિઝનેસ શરૂ કરવાનો ફેંસલો લીધો. શરૂઆતમાં કોસ્મેટિક ઉત્પાદનના ટ્રેડિંગનું કામ કર્યું પરંતુ તેમાં નિષ્ફળતા મળતાં ફરી ટ્યુશન કરાવવા લાગ્યા. આ દરમિયાન સીપીડબલ્યુડીમાં કોન્ટ્રાક્ટર તરીકે રજિસ્ટ્રેશન કરાવી લીધું અને કામ શરૂ કર્યું.

મનોજ તિવારીને નવેમ્બર 2016માં દિલ્હી ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2014માં તેઓ ભારતીય જનતા પાર્ટીની સીટ પરથી ઉત્તર પૂર્વ દિલ્હી સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમના નેતૃત્વમાં બીજેપીએ 2017ની એમસીડી ચૂંટણીમાં જોરદાર સફળતા મેળવી હતી. જે બાદ 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ સાતેય લોકસભા સીટ જીતી હતી. પરંતુ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મનોજ તિવારી કોઈ કરિશ્મા શક્યા નહોતા.