નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાના વધતાં સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એક વખત લોકોને ચિંતા ન કરવાની અપીલ કરી છે. મંગળવારે સીએમ કેજરીવાલે કહ્યું, જો તમારા ઘરમાં કોઇને કોરોના હોય તો ક્યાં બેડ મળશે તેવો પ્રબંધ કર્યો છે. જેને લઈ સીએમ કેજરીવાલે એક એપ પણ લોન્ચ કરી.


કેજરીવાલે કહ્યું, દિલ્હીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આજે 6371 બેડ છે, દિલ્હીની હોસ્પિટલમાં 2600 દર્દી છે, તેથી આશરે 4100 બેડ ખાલી છે. એપ લોન્ચ કરતાં તેમણે કહ્યું, હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની લોકોને ખબર નથી. આ સમસ્યના દૂર કરવા અમે એપ લોન્ચ કરી રહ્યા છીએ. દિલ્હીની કઈ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તે એપ જણાવશે.


સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, બેડ અંગેની જાણકારી એક વેબસાઇટ પર ઉપલબ્ધ હશે. આ ઉપરાંત 1031 હેલ્પલાઇન પર પણ તમને બેડ અંગે જાણકારી મળી રહેશે. ફોન કરવા પર એસએમએસથી જાણકારી મળી રહેશે. જો બેડ ખાલી હોવા છતાં પણ કોઈ હોસ્પિટલ દર્દીને દાખલ નહીં કરે તો તમે 1031 પર ફોન કરીને સમસ્યા જણાવી શકશો. જેની જાણકારી તાત્કાલિક સ્વાસ્થ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવશે અને જે બાદ તાત્કાલિક તમને વાત કરીને ઓન ધ સ્પોટ બેડ અપાવશે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિલ્હી ત્રીજા નંબર પર છે. રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 20,834 પર છે.