અનેક લોકો કેટલાક સરકારી વિભાગોમાં સમયસર ન થતાં કામને લઈ પરેશાન હોય છે. સરકારી વિભાગમાં તેમનું કોઈ સાંભળતું ન હોવાની ફરિયાદ હોય છે. આવા લોકો ઉચ્ચ અધિકારીઓ તથા સરકારી ફરિયાદના પોર્ટલ પર ફરિયાદ કરી શકે છે. પરંતુ તેમ છતાં જો તેઓ કાર્યવાહીથી સંતુષ્ઠ ન હોય તો પ્રધાનમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે. જો તમને પણ આવી કોઈ મુશ્કેલી હોય અને કોઈ કારણસર પ્રધાનમંત્રી કાર્યાલયમાં ફરિયાદ નોંધાવવા માંગતા હો તો તમે કરી શકો છો. તમે ઘરે બેઠા ઓનલાઈનના માધ્યમથી ફરિયાદ પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચાડી શકો છે.


પીએમ ઓફિસમાં કઈ રીતે કરી શકાય છે ફરિયાદ


સૌ પ્રથમ તમે પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઇટ https://www.pmindia.gov.in/hi પર જાવ. જે બાદ પ્રધાનમંત્રી સાથે વાત કરવા ડ્રોપ ડાઉન મેન્યુથી પ્રધાનમંત્રીને લખો તેમ લખેલા વિકલ્પનો ઉપયોગ કરીને પ્રધાનમંત્રી કાર્યાલયમાં કોઈ પણ ફરિયાદ મોકલી શકો છો. આ લિકં પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઇટ www.pmindia.gov.in/hi ના હોમ પેજ પર પણ ઉપલબ્ધ છે.


જે બાદ CPGRAMS પેજ ખૂલશે. અહીંયા ફરિયાદ નોંધાવી શકાય છે અને તે બાદ રજિસ્ટ્રેશન નંબર આવે છે. નાગરિકોને ફરિયાદ સંબંધિત દસ્તાવેજોને અપલોડ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે. જેમાં માંગેલી જાણકારી આપવાની હોય છે. આ જાણકારીમાં તમારી અંગત માહિતીથી લઈને ફરિયાદની જાણકારી સામેલ હોય છે.


લખીને પણ કરી શકાય છે ફરિયાદ


તમે તમારી ફરિયાદ પ્રધાનમંત્રી કાર્યાલય પર ટપાલ મોકલીને પણ કરી શકો છો. જેનું સરનામું પ્રધાનમંત્રી કાર્યાલય, સાઉથ બ્લોક, નવી દિલ્હી, પિનકોડઃ 110001 છે. આ ઉપરાંત 011-23016857 પર ફેક્સ મોકલીને પણ ફરિયાદ કરી શકાય છે.


કેવી રીતે થાય છે કાર્યવાહી


પ્રધાનમંત્રી કાર્યાલયને મોટી સંખ્યામાં ફરિયાદ મળે છે. જે વિવિધ મંત્રાલય, વિભાગ કે રાજ્ય સરકાર સંબંધિત હોય છે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા એક ટીમ હોય છે, જે તેમને મળેલી ફરિયાદો પર કામ કરે છે. આ ઉપરાંત CPGRAMS ના માધ્યમથી ફરિયાદકર્તાને જવાબ પણ આપવામાં આવે છે.