Cyclone Dana:ભારતીય હવામાન વિભાગે સોમવારે એક ચેતાવણી જાહેર કરીને કહ્યું હતું કે, બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર બુધવારે દાના વાવાઝોડામાં ફેરવાઈ જશે. એક દિવસ બાદ વાવાઝોડું ઓડિશા અને પશ્ચિમ બંગાળને અડીને આવેલા દરિયાકિનારા પર પહોંચી જશે.
હવામાન વિભાગે કહ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન બંને રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય 110-120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારોને આ સપ્તાહે દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ આ તોફાનનો સામનો કરવા માટે બંનેએ તૈયારીઓ કરી લીધી છે.
રાષ્ટ્રપતિની ઓડિશાની મુલાકાત મુલતવી
ચક્રવાતના ભયને જોતા ઓડિશામાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. 26મી ઓક્ટોબર સુધી સરકારી કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઓડિશાની ત્રણ દિવસની મુલાકાત પણ મોકૂફ રાખવામાં આવી છે. વાવાઝોડાના કારણે 23 થી 25 ઓક્ટોબર વચ્ચે ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
પ્રવાસીઓને પુરી ન જવાની સલાહ આપી હતી
મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યું હતું કે, ચક્રવાતની સંભાવનાને ધ્યાનમાં રાખીને, 10 દરિયાકાંઠાના જિલ્લાઓમાં ODRAFની 17 ટીમો તૈનાત કરવામાં આવી છે. સાથે જ પ્રવાસીઓને શહેર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય પ્રવાસીઓને 24-25 ઓક્ટોબરે પુરી ન જવાની પણ અપીલ કરવામાં આવી છે.
ભારે વરસાદની શક્યતા
ચક્રવાત દરમિયાન મહાનગરપાલિકાનો કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે. સાવચેતી માટે 250 રાહત કેન્દ્રો અને 500 વધારાના રાહત કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ભુવનેશ્વર હવામાન વિભાગના નિર્દેશક મનોરમા મહાપાત્રાએ તેમના નિવેદનમાં જણાવ્યું કે, ચક્રવાત બુધવારે સૌથી વધુ સક્રિય બનશે. જેના કારણે બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 અને 25 ઓક્ટોબરના રોજ પૂર્વ મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા અને બંગાળના ઝારગ્રામમાં ભારેથી અતિ ભારે વરસાદ અને એક-બે સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું કે કોલકાતા, હાવડા, હુગલી, ઉત્તર 24 પરગણા, પુરુલિયા અને બાંકુરા જિલ્લામાં 24 અને 25 ઓક્ટોબરે ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે.
178 ટ્રેનો રદ કરવામાં આવી હતી
વાવાઝોડાના કારણે ઓડિશામાંથી પસાર થતી 178 ટ્રેનો રદ કરવામાં આવી છે. જેમાં હાવડા-સિકંદરાબાદ, શાલીમાર-પુરી સુપરફાસ્ટ, નવી દિલ્હી-ભુવનેશ્વર, હાવડા-ભુવનેશ્વર, હાવડા-પુરી સુપરફાસ્ટ, નવી દિલ્હી-પુરી, ખડગપુર-ખુર્દા, સંબલપુર-પુરી એક્સપ્રેસ ટ્રેનોનો સમાવેશ થાય છે. આ સિવાય પુરી-હાવડા રૂટ પર ટ્રેનોનું સંચાલન 25 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.
NDRFની ટીમો તૈનાત
કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો તૈનાત કરવામાં આવી છે. 7મી બટાલિયન NDRF, ભટિંડાના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પંકજ શર્માએ જણાવ્યું હતું કે, "5 ટીમો ઓડિશા પહોંચી ચૂકી છે. તેમાં 152 જવાનો છે. અમે ભટિંડાથી ભુવનેશ્વર એરપોર્ટ પર આવ્યા છીએ અને અમે 5 જિલ્લામાં તૈનાત થવાના છીએ. અમારું મુખ્ય કાર્ય જિલ્લા વહીવટીતંત્રને બચાવ, સ્થળાંતર અને રાહત સામગ્રીના વિતરણમાં મદદ કરવાનું છે.