નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ દરરોજના સૌથી વધારે મામલા ભારતમાં નોંધાઈ રહ્યા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 9 લાખને પાર થઈ ગઈ છે. આ દરમિયાન કોરોનાથી બચવા લોકોને પલ્સ ઓક્સિમીટર વાપરવાની સલાહ આપવામાં આવી રહી છે.


કોરોનાથી રક્ષણ મેળવવા પલ્સ ઓક્સિમીટર વસાવવાની સલાહ અપાઈ રહી છે ત્યારે આ પલ્સ ઓક્સિમીટર શું છે તે જાણવું જરૂરી છે. પલ્સ ઓક્સીમીટર એક નાનું ડિવાઇસ મશીન છે. જેને દર્દીની આંગળીમાં ફીટ કરવામાં આવે છે. તેની મદદથી દર્દીના નખ અને લોહીમાં ઓક્સિજનની માત્રાની ખબર પડે છે.

પલ્સ ઓક્સિમીટર પર 94થી ઓછું ઓક્સિજન લેવલ આવે તો તરત હોસ્પિટલમાં ભરતી થવાનું ડોક્ટરો કહે છે. જે લોકોને શરીરમાં ઓક્સિજનની કમીના કારણે હોસ્પિટલ રીફર કરવા સૂચના અપાઈ હોય છતાં જે લોકો હોસ્પિટલ ગયા નથી તેવા લોકોનાં મોત થયાંના બનાવો પણ વધ્યા છે.  કોરોના કાળમાં આ ડિવાઇસની માંગ વધી ગઈ છે.

એકસપર્ટના કહેવા મુજબ, પલ્સ ઓક્સિમીટર ચામડી પર એક પ્રકાશ ફેંકે છે. જે બ્લડ સેલના રંગ અને તેની મૂવમેન્ટને ડિટેક્ટ કરે છે. જો બ્લડ સેલમાં ઓક્સિજનની માત્ર બરાબર હોય તો ચમકદાર લાલ દેખાય છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં અત્યાર સુધીમાં 9,06,752 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે અને 23,727 લોકોના મોત થયા છે. જ્યારે 5,71,460 લોકો ઠીક થઈ ગયા છે અને 3,11,565 એક્ટિવ કેસ છે.