નવા દિલ્હીઃ યોગ ગુરુ બાબા રામદેવે મંગળવારે કોરોના વાયરસની દવા કોરોનિલને લોન્ચ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આયુર્વેદ પદ્ધતિથી જડી બુટ્ટીઓના ઉપયોગથી બનાવવામાં આવેલી દવાથી કોરોનાના દર્દી 100 ટકા સાજા થઈ જાય છે. તેમના આ દાવાથી દેશમાં હલચલ મચી ગઈ હતી. જોકે સાંજે આયુષ મંત્રાલયે પતંજલિને આ દવાનો પ્રચાર અને પ્રસાર રોકવા નિર્દેશ આપ્યા હતા. આયુષ મંત્રાલયે પતંજલિના દાવાની ચકાસણી ન થાય ત્યાં સુધી કોરોનાની દવાનો દાવો કરતી પતંજલિની જાહેરાતો અને પ્રચાર સામગ્રી અટકાવી દેવા આદેશ કર્યો હતો.


જે બાદ સોશિયલ મીડિયા ટ્વિટર પર #સલવારી બાબા જૂઠા હૈ ટ્રેન્ડ થયું હતું. લોકોએ આ અંગે અનેક મિમ્સ બનાવીને શેર કર્યા હતા. કેટલાક લોકોએ લખ્યું, સલવારી બાબા ફેંકુને ટક્કર આપી રહ્યા છે.


મોહમ્મદ શાહિદ નામના યૂઝરે ટ્વિટ કરીને લખ્યું, ઈતિહાસમાં પ્રથમ વખત ડીઝલ પેટ્રોલથી મોંઘું થયું. દિલ્હીમાં ડીઝલ 79.92 રૂપિયા/લીટર, જ્યારે પેટ્રોલ 79.80 રૂપિયા/લીટર થયું. ક્યાં છે સલવારી બાબા 35 રૂપિયાવાળું પેટ્રોલ-ડીઝલ!#સલવારી બાબા જૂઠા હૈ.


અન્ય એક યૂઝરે સ્વામી રામદેવના જૂના ટ્વિટનો સ્ક્રીનશોટ શેર કરીને લખ્યું તમે કેટલું ખોટું બોલો છો.


મંગળવારે બાબા રામદેવે જણાવ્યું હતું કે, પૂરો દેશ અને દુનિયા જે ક્ષણની રાહ જોઈ રહ્યો હતો કે, ક્યાંકથી તો કોરોનાથી દવા આવશે, તે સમય આવી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની પહેલી આર્યુવેદિક દવા બનાવવામાં આવી છે. જે ક્લીનીકલી કંટ્રોલ્ડ ટ્રાયલ બેઝ્ડ, એવિડેન્સ રિસર્ચ બેઝ્ડ મેડિસિન પતંજલિ રિસર્ચ સેન્ટર અને નીમ્સના સંયુક્તથી તૈયાર થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, અમે બે ટ્રાયલ કર્યા એક કંટ્રોલ્ડ ક્લીનીકલ સ્ટડી. જે દિલ્લી, અમદાવાદ, મેરઠ સહિત અનેક શહેરોમાં કરવામાં આવી. આ સ્ટડીમાં 280 દર્દીઓ હતા. જેના પરિણામ અપ્રતિમ હતા. જેમાં 100 ટકા દર્દીઓની રિકવરી થઈ. બીજો તબક્કો હતો ક્લિનીકલ કંટ્રોલ ટ્રાયલ. જેના માટે પતંજલિ રિસર્ચ સેન્ટર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(નીમ્સ)ના સંયુક્ત પ્રયાસથી આ સંભવ થયું.


પતંજલિના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું કે, કોરોના કિટની કિંમત માત્ર 545 રૂપિયા છે. આ કિટ 30 દિવસ માટે છે. દવાને વધુ અસરકારક બનાવવા માટે કેટલાક મિનરલ્સ ઉમેરવામાં આવ્યા છે. એક અઠવાડિયામાં પતંજલિના તમામ સ્ટોર્સ પર આ દવા ઉપલબ્ધ થઈ જશે.