નવી દિલ્લીઃ ગુજરાતના વધુ એક આઈપીએસ અધિકારીને કેન્દ્ર સરકારમાં મહત્વના હોદ્દા પર નિમવામાં આવ્યા છે. ગુજરાત કેડરનાં 1998 બેંચનાં આઈપીએસ અધિકારી પ્રવીણ સિન્હાને સીબીઆઈના ઈન્ચાર્જ ડિરેક્ટર બનાવાયા છે. સિન્હા  નવા સીબીઆઇ ડિરેક્ટરની નિમણુક અથવા આગળનાં આદેશ સુધી ઇન્ચાર્જ ડિરેક્ટર તરીકે કામ સંભાળશે. સિન્હાને આ જવાબદારી ઋષિ કુમાર શુક્લાને બુધવારે બે વર્ષનાં કાર્યકાળ બાદ સેવા નિવૃતિ થયા બાદ આપવામાં આવી છે.


સીબીઆઇનાં નવા ડિરેક્ટરને અંગે હજુ સુધી નિર્ણય લેવાયો નથી તેથી વચગાળાની નિમણૂક કરાઈ છે. . 1962માં જન્મેલા પ્રવીણ સિન્હા B.A.(Hons), (P.G.D.B.M.), LLBની ડિગ્રી ધરાવે છે. પ્રવીણ સિન્હાએ રાજકોટમાં પણ ફરજ બજાવી છે. રાજકોટના રેન્જ આઈ.જી. રહી ચૂકેલા આઈપીએસ પ્રવીણ સિન્હા નિષ્ઠાવાન અને સ્વચ્છ અધિકારી તરીકે નામના ધરાવે છે પ્રવીણ સિન્હા 2018થી દિલ્હી ખાતે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં અધિક સચિવ તરીકે ડેપ્યુટેશન પર છે. તેમની સીબીઆઈના ડિરેક્ટર ઋષિકુમાર શુકલાના સ્થાને નિમણૂક કરાઈ છે. પ્રવીણ સિંહાને 2015માં સેન્ટ્રલ ડેપ્યુટેશન પર મોકલાયા હતા તે સમયે તેઓ ગાંધીનગર ખાતે આઈજીપી (પીએન્ડએમ) વિભાગમાં ફરજ બજાવતા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની નિમણૂક અંગેની સમિતિની બેઠક બાદ સિંહાને આ જવાબદારી સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પર્સોનલ અને ટ્રેઈનિંગ વિભાગ દ્વારા બુધવારે બહાર પડાયેલા હુકમમાં કહેવામાં આવ્યું કે સિંહા તાત્કાલિક અસરથી સીબીઆઈનાં ડિરેક્ટરનાં હોદ્દાની જવાબદારી સંભાળશે.  આ જવાબદારી આગામી ડિરેક્ટરની નિમણુક અથવા અન્ય હુકમ, જે પણ પહેલા થાય, ત્યાં સુધી તેમની પાસે રહેશે. વર્ષ 1983 બેંચનાં IPS અધિકારી શુક્લા બે વર્ષનો કાર્યકાળ પુરો કરીને સેવાનિવૃત થયા છે.