નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર હાલ થોડો ઘટ્યો છે અને દૈનિક કેસોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. અનેક કંપનીઓ કોરોનાની રસી બનાવવામાં લાગી છે. આ દરમિયાન કોરોનાના રસીને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાયન્ટિસ્ટના કહેવા મુજબ, હેલ્થ વર્કરોને સૌથી પહેલા રસી આપવામાં આવશે. કારણકે આ લોકોને સંક્રમણનો સૌથી વધારે ખતરો હોય છે.

સ્વામીનાથને સંકેત આપ્યો હતો કે, રસીની અનેક કસોટીઓ હાથ ધરવામાં આવી હોવા છતાં, ઝડપી, સામૂહિક શોટ શક્યતા ન હતી, અને સલામત રસી મળી આવે તો કોને પ્રથમ આપવી તેની ચર્ચા શરૂ છે. જેમને સૌથી વધારે જોખમ છે તેવા હેલ્થ કાર્યકરો અને ફ્રન્ટલાઇન કાર્યકરોને રસી પ્રથમ આપવાની વાત પર મોટાભાગના લોકો સમંત થયા હોવાનું સ્વામીનાથને જણાવ્યું હતું.

સ્વામીનાથને કહ્યું, મને લાગે છે કે એક સ્વસ્થ યુવાન વ્યક્તિએ રસી લેવા માટે 2022 સુધી રાહ જોવી પડી શકે છે. તેમણે આશા વ્યક્ત કરી કે 2021 સુધીમાં ઓછામાં ઓછી એક અસરકારક રસી આવશે પરંતુ તે ફક્ત “મર્યાદિત માત્રામાં” ઉપલબ્ધ થશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 67,708 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 680 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 73,07,098 પર પહોંચી છે.