Haryana Assembly Election Results Counting: હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની ગણતરી વચ્ચે જલેબી કેમ ટ્રેન્ડ થઇ રહી છે? ભારત નહીં તો કયા દેશની મીઠાઈ છે જલેબી ? ભારતમાં જલેબી કેવી રીતે પહોંચી ? કયા દેશમાં લોકો માછલી સાથે જલેબી ખાય છે ? આ તમામ માહિતી અમે આ આર્ટિકલમાં આપી રહ્યાં છીએ. જાણો...


હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. બંને જગ્યાએ કોની સરકાર બનશે તે તો મતગણતરી બાદ જ ખબર પડશે. પરંતુ આ દરમિયાન કોંગ્રેસ પહેલા જ ઉજવણીમાં જલેબી અને લાડુનું વિતરણ કરી ચૂકી છે. પરંતુ શું તમે જાણો છો કે જલેબી ભારતની નહીં પરંતુ કોઈ અન્ય દેશની મીઠાઈ છે. એક દેશમાં જલેબી માછલી સાથે ખાવામાં આવે છે. ચાલો જાણીએ જલેબી ભારતમાં કેવી રીતે પહોંચી. 


ભારતમાં કેમ ટ્રેન્ડ થઇ રહી છે જલેબી ? 
આગળ વધતા પહેલા, ચાલો જાણીએ કે ભારતમાં શા માટે જલેબી ટ્રેન્ડ કરી રહી છે. વાસ્તવમાં, જ્યારે રાહુલ ગાંધી હરિયાણામાં પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે તેમણે ગોહનામાં પ્રખ્યાત માતુરામ હલવાઈની જલેબી ખાધી હતી, અને તેના સ્વાદના વખાણ કર્યા હતા. આ દરમિયાન તેણે તેની બહેન પ્રિયંકાને કહ્યું કે તેણે તેના જીવનની સૌથી સારી જલેબી ખાધી છે અને તેના માટે પણ મોકલી છે.


દુનિયામાં ઉભી થવી જોઇએ જલેબીની ફેક્ટરી  
આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં જલેબી વેચવી જોઈએ જેથી તેમની દુકાનો ફેક્ટરીમાં ફેરવાઈ જાય અને હજારો લોકોને કામ મળી શકે. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ખૂબ મજાક ઉડી હતી. 


અહીં જલેબી સાથે ખવાય છે દહીં 
ભારતના ઘણા શહેરોમાં જલેબી ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે. બનારસમાં લોકો સવારે દહીં મિક્સ કરીને જલેબી ખાય છે. કહેવાય છે કે તેના સેવનથી માઈગ્રેન જેવી સમસ્યામાંથી રાહત મળે છે. વળી, જલેબી રાજસ્થાન, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને દેશના અન્ય ઘણા શહેરોમાં ખૂબ જ લોકપ્રિય છે.


જલાબિયામાંથી બની ગઇ જલેબી 
જલેબીનો ઈતિહાસ મધ્ય પૂર્વના ઈસ્લામિક દેશમાંથી આવે છે. મધ્યકાલીન પુસ્તક 'કિતાબ-અલ-તબીક'માં 'જલાબિયા' નામની મીઠાઈનો ઉલ્લેખ છે. જે અરબી શબ્દ છે. ફારસીમાં તેને જલીબિયા કહે છે. આ સાથે 10મી સદીના અરબી રસોઇ ગ્રંથમાં પણ 'જુલુબિયા' બનાવવાની ઘણી વાનગીઓનો ઉલ્લેખ છે.


આ દેશમાંથી ભારત આવી છે જલેબી 
જલેબીની શોધ ઈરાનમાં થઈ હતી. ત્યાં તે જુલાબિયા અથવા જુલુબિયા તરીકે ઓળખાય છે. ઈતિહાસકારોના મતે 500 વર્ષ પહેલા જ્યારે તુર્કી આક્રમણકારો ભારતમાં આવ્યા ત્યારે જલેબી ભારતમાં પહોંચી હતી. 


કયા દેશોમાં ખવાય છે જલેબી ? 
ભારત સિવાય અન્ય ઘણા દેશોમાં જલેબી ખવાય આવે છે. લેબનાનમાં, જલેબિયા એ લાંબા આકારની પેસ્ટ્રી છે જે પીરસવામાં આવે છે. ઈરાન ઉપરાંત ટ્યૂનિશિયામાં 'જલાબિયા' અને અરેબિયામાં જલાબિયા તરીકે ઓળખાય છે. 


આ દેશમાં જલેબીને માછલી સાથે ખાય છે લોકો 
અફઘાનિસ્તાનમાં પણ જલેબી ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે. અફઘાનીઓ માછલી સાથે જલેબી પીરસે છે. વળી, શ્રીલંકામાં, લોકો 'પાની વાલાલુ' નામની મીઠાઈ ખૂબ જ ઉત્સાહથી ખાય છે, જે દેખાવમાં બિલકુલ જલેબી જેવી છે. નેપાળમાં તેને 'જેરી' નામથી ઓળખવામાં આવે છે.