Kolkata Municipality Election Results: કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ 144 સીટો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે. પશ્ચિમ બંગાળ રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ટીએમસીએ 7 બેઠકો જીતી છે. ટ્રેન્ડમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને બહુમતી મળી છે. શાસક પક્ષ TMC 134 વોર્ડમાં આગળ છે. જ્યારે ભાજપ 3, કોંગ્રેસ 2, ડાબેરી 4 અને અન્ય 1 વોર્ડ પર આગળ છે. અત્યાર સુધી મળેલા મતોની ટકાવારી મુજબ ટીએમસીને 74.2 ટકા, ભાજપને 8 ટકા અને ડાબેરીઓને 9.1 ટકા વોટ મળ્યા છે.


કુલ 11 મતગણતરી કેન્દ્રો છે. દરેક મતગણતરી કેન્દ્રમાં 7 થી 10 ટેબલ પર મતગણતરી કરવામાં આવી રહી છે. મતગણતરી કેન્દ્રમાં 3 સ્તરીય સુરક્ષા છે, 200 મીટરમાં કલમ-144 લાગુ છે અને કુલ 3 હજાર પોલીસ તૈનાત છે. દરેક મતગણતરી કેન્દ્રમાં અનેક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. મતગણતરીનો વીડિયોગ્રાફી કરવામાં આવી રહ્યો છે. કુલ 950 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.


ચૂંટણીમાં હિંસા


છૂટાછવાયા હિંસા વચ્ચે રવિવારે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી. બૉમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિની ઈજા સહિત હિંસાની છૂટાછવાયા બનાવો વચ્ચે લગભગ 63.37 ટકા લોકોએ સાંજે 5 વાગ્યા સુધી તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન દરમિયાન કુલ 453 ફરિયાદો મળી હતી, જ્યારે કુલ 195 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હિંસામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. કોલકાતા મ્યુનિસિપલ ચૂંટણીના વલણો પર ભાજપના સાંસદ હરનાથ સિંહ યાદવે કહ્યું કે આ ચૂંટણી બળ અને બંદૂકના જોરે લડવામાં આવી હતી અને લોકશાહીની હત્યા કરીને વોટ નાખવામાં આવ્યા હતા.


ભાજપ સહિત વિપક્ષી પાર્ટીઓએ ચૂંટણીમાં હિંસાનો આરોપ લગાવીને ફરીથી ચૂંટણી કરાવવાની માંગ કરી છે. ચૂંટણી દરમિયાન હિંસા અને ખોટું મતદાન થયું હોવાનો આક્ષેપ કરીને ભાજપે તમામ 144 વોર્ડમાં ફરી મતદાનની માંગ કરી છે. સીપીએમે 17 વોર્ડમાં ફરી મતદાનની માંગ પણ કરી છે. જ્યારે ટીએમસીએ આ આરોપોને ફગાવી દીધા હતા. આજે, મતગણતરી દ્વારા નક્કી કરવામાં આવશે કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન પર ટીએમસી ફરીથી શાસન કરશે કે પછી ભાજપનો સમર્થન વધશે.


KMC ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને નગ્ન કરીને મારવાનો આરોપ


કોંગ્રેસે સોમવારે આક્ષેપ કર્યો હતો કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારને શહેરના ઉત્તર ભાગમાં તૃણમૂલ કોંગ્રેસના સમર્થકો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને તેના કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા. રવિવારની રાત્રે બનેલી કથિત ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે વાઈરલ થઈ રહ્યો છે, જે મતદાન પૂર્ણ થયાના થોડા કલાકો બાદ કહેવામાં આવી રહ્યું છે. જો કે, તૃણમૂલ કોંગ્રેસના એક નેતાએ આ આરોપને નકારી કાઢ્યો અને દાવો કર્યો કે તેમની પાર્ટીના સમર્થકો કથિત ઘટનામાં સામેલ નથી.