નવી દિલ્હીઃ કોગ્રેસે પૂર્વ કેન્દ્રિય મંત્રી કુમારી શૈલજાને હરિયાણા કોગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને પૂર્વ મુખ્યંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાને ધારાસભ્ય દળના નેતા અને ચૂંટણી સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સોનિયા ગાંધીના નજીકના મનાતા શૈલજા અશોક તંવરનું  સ્થાન લેશે. બીજી તરફ હુડ્ડા કિરણ ચૌધરીનું સ્થાન લેશે. હુડ્ડાને ચૂંટણી સમિતિના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા છે.


હરિયાણા કોગ્રેસના પ્રભારી ગુલામ નબી આઝાદે પત્રકારોને કહ્યું કે, શૈલજાને રાજ્યના પ્રદેશ અધ્યક્ષ અને હુડ્ડાને ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા છે. કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના આ નિર્ણયને હુડ્ડાની નારાજગી અને રાજ્યના પાર્ટી નેતાઓના પરસ્પર કલહને દૂર કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.


વાસ્તવમાં હુડ્ડાએ મંગળવારે પોતાના સમર્થક નેતાઓ સાથે બેઠક કરી હતી જેમાં એ નેતાઓને હરિયાણામાં આગામી વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ભવિષ્યનો નિર્ણય લેવા કહ્યુ હતું. હરિયાણા કોગ્રેસમાં આંતરિક કલહ ખાસ કરીને હુડ્ડા અને પ્રદેશ કોગ્રેસ કમિટીના અધ્યક્ષ અશોક તંવર વચ્ચે ટકરાવની ખબરો લાંબા સમયથી આવી રહી હતી. તાજેતરમાં જ એવા અહેવાલ આવ્યા હતા કે હુડ્ડા પાર્ટીના નેતૃત્વથી નારાજ છે અને અલગ રસ્તો અપનાવી શકે છે.