Lakhimpur: ઉત્તર પ્રદેશના લખીમપુરમાં બે બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા હતા. બંને સગી બહેનો છે. મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડયો છે.  આ ઘટના નિઘાસન પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. એડીજી કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે આઈજી લખનઉ રેન્જ લક્ષ્મી સિંહને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. બંને બાળકીઓનું પોસ્ટમોર્ટમ ડોક્ટરોની પેનલ દ્વારા કરવામાં આવશે. પરિવારજનો તરફથી મળેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવશે. જો આ કેસમાં હત્યાનો મામલો સામે આવશે તો ગુનેગારોને છોડવામાં આવશે નહીં.






એબીપી ગંગા સાથે ફોન પર વાત કરતા લખીમપુરના ડીએમ મહેન્દ્ર બહાદુર સિંહે કહ્યું હતું કે હત્યાનું કારણ બંને બાળકીઓના પોસ્ટમોર્ટમ બાદ જાણી શકાશે. તેમણે જણાવ્યું હતું કે આવતીકાલે 15 સપ્ટેમ્બર, ગુરુવારે સવારે બંને બાળકીઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.


આ ઘટના પર વિપક્ષે યુપી સરકાર પર નિશાન સાધ્યું છે. સપા પ્રમુખ અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે ટ્વીટ કર્યું હતું નિઘાસન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 દલિત બહેનોનું અપહરણ કરી તેમની હત્યા કરવામાં આવી છે. બહેનોના પિતાએ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે પંચનામા અને સહમતિ વિના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. લખીમપુરમાં ખેડૂતો પછી હવે દલિતોની હત્યા એ 'હાથરસ કી બેટી' હત્યાકાંડનું જઘન્ય પુનરાવર્તન છે.






કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે લખીમપુર (યુપી)માં બે બહેનોની હત્યાની ઘટના હ્રદયદ્રાવક છે. પરિવારનું કહેવું છે કે તે છોકરીઓનું દિવસે અપહરણ કરવામાં આવ્યું હતું. અખબારો અને ટીવીમાં રોજેરોજ ખોટી જાહેરાતો આપવાના કારણે કાયદો અને વ્યવસ્થા સારી બની જતી નથી. આખરે યુપીમાં મહિલાઓ સામેના જઘન્ય ગુનાઓ કેમ વધી રહ્યા છે? સરકાર ક્યારે જાગશે?"