ખેડૂત આંદોલન દરમિયાન થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં લખીમપુર ખીરીની ઘટનાથી સમગ્ર દેશને ખળભળાટ મળ્યો હતો. આ ઘટનામાં મુખ્ય આરોપી તરીકે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરાઈ હતી. હવે આ કેસમાં ઉત્તર પ્રદેશ સરકારે મોટું નિવેદન આપ્યું છે.
લખીમપુર ખીરી હિંસા કેસમાં અજય મિશ્રાના જામીનને પડકારતી અરજીના જવાબમાં ઉત્તર પ્રદેશ સરકારે આજે સુપ્રિમ કોર્ટમાં પોતાના જવાબ રજૂ કર્યો હતો. આ જવામાં ઉત્તર પ્રદેશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે, અમે અજય મિશ્રાને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ સરકાર પર આરોપ લાગ્યા હતા કે, સરકાર આ હિંસા કેસના આરોપીઓને સરળતાથી છોડી મુકવા માંગે છે અને કેસના સાક્ષીઓ અને પુરાવાઓનું રક્ષણ નથી કરી રહી.
આજે ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રિમ કોર્ટમાં રજૂ કરેલા જવાબામાં કહ્યું છે કે, આશિષ મિશ્રાને જામીન આપવાનો વિરોધ ના કર્યો હોવાનો આરોપ જે અમારા પર લાગી રહ્યા છે તે ખોટા છે. યુપી સરકારે અલ્હાબાદ હાઈકોર્ટમાં જામીન અરજીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. લખીમપુર ખીરી કેસમાં આશિષ મિશ્રાના જામીનને પડકારતી અરજીના જવાબમાં, કહ્યું કે, જામીન સામે અપીલ દાખલ કરવાનો નિર્ણય સંબંધિત અધિકારીઓ સમક્ષ વિચારણા હેઠળ છે.
આ સાથે જ લખીમપુર ખીરી કેસમાં સાક્ષીઓ પર હુમલા થયા હોવાના આરોપોને પણ યુપી સરકારે નકારી કાઢ્યા હતા. આ આરોપો અંગે ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું છે કે, હોળીની તહેવારમાં એકબીજા પર રંગો ફેંકવાના અંગત વિવાદને કારણે આ કેસના સાક્ષીઓ પર પર હુમલો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ હુમલાનો ભોગ બનેલા સાક્ષીઓએ આરોપ લગાવ્યો હતો કે, તેમની પર હુમલો કરવા આવેલા શખ્સોએ એવું કહ્યું હતું કે, હવે અમારી (ભાજપ)ની સરકાર બની ગઈ છે અને હવે તેઓ અમારી "કાળજી" રાખશે.
યુપી સરકારે આ તમામ આરોપના જવાબ આપતાં કહ્યું છે કે, "અથડામણના સાક્ષીઓ કહે છે કે, આવા કોઈ નિવેદનો નથી આપવામાં આવ્યા. લખીમપુર ખીરી હિંસાના તમામ પીડિતો અને સાક્ષીઓના પરિવારોને રાજ્ય સરકાર સુરક્ષા પૂરી પાડી રહી છે. સાથે જ આ કેસના સાક્ષીઓની સુરક્ષા માટે રાજ્ય સરકારે સશસ્ત્ર જવાનો તૈનાત કર્યા છે."