નવી દિલ્હી: અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામ મંદિર આંદોલનમાં સામેલ ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ કહ્યું કે આજે હું દેશવાસીઓની ખુશી સાથે છું. તેઓએ કહ્યું કે સુપ્રીમ કોર્ટેના આ ચુકાદાથી કરોડો લોકોની ભાવનાઓનું સન્માન થયું. કોર્ટના નિર્ણયને હું આવકારું છું, જેમાં જજોની બેન્ચે મસ્જિદ માટે 5 એકર જમીન આપવાનો નિર્ણય કર્યો.


અડવાણીએ કહ્યું, “અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે આજે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામ મંદિરના નિર્માણ માટે સર્વસંમતિથી જજોએ જે ચુકાદો આપ્યો છે. તેનાથી હું ખૂબ ખુશ છું. રામ જન્મભૂમિને લઈ દેશમાં જે જન આંદોલન ચાલ્યું હતું તે આઝાદીના આંદોલન બાદ સૌથી મોટું આંદોલન હતું. હું ભગવાનનો આભાર માનું છું કે હું તેનો ભાગ બન્યો.”


તેઓએ કહ્યું કે, ભારત અને દુનિયાભરમાં રહેનારા કરોડો હિંદુસ્તાનીઓના દિલમાં રામ જન્મભૂમિ માટે ખાસ જગ્યા છે. છેલ્લા કેટલાક દાયકાથી ચાલી રહેલા વિવાદનો અંતનો ચુકાદો છે. હવે જ્યારે અયોધ્યાના મંદિર મસ્જિદનો વિવાદનો અંત આવ્યો છે ત્યારે સમય આવી ગયો છે કે પોતાની કડવાશ છોડીને એકબીજા પ્રત્યે સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિ સાથે રહો.

રામ મંદિરના આંદોલનમાં હું હંમેશા આ વાત કહેતો કે “અયોધ્યામાં એક ભવ્ય રામ મંદિરનું નિર્માણ એક શાનદાર રાષ્ટ્ર મંદિરનું નિર્માણ થાય. સશક્ત, સંપન્ન, શાંતિપૂર્ણ, સૌહાર્દ ભર્યા રાષ્ટ્ર નિર્માણમાં જ્યાં સૌને ન્યાય મળે અને એકવાર ફરી આપણે એક મહાન ઉદ્ધેશ્ય માટે સમર્પિત થઈએ.”

ઉલ્લેખનીય છે કે અડવાણીએ 90ના દાયકામાં રામ મંદિર આંદોલનને હવા આપી હતી. તેમણે ગુજરાતના સોમનાથથી લઈને અયોધ્યા સુધી રામ રથયાત્રા કાઢી હતી. અડવાણીની રથયાત્રાએ લગભગ ત્રણ દાયકા પહેલા ખૂબ ચર્ચા જગાવી હતી. અડવાણી પોતાના જોશીલા અને ધારદાર ભાષણોના કારણે હિંદુત્વના નાયક બની ગયા હતા.