મુંબઈ: 1987માં આવેલી રામાનંદ સાગરની સુપરહિટ ધાર્મિક સીરિયલ ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવીને પોતાની ઓળખ બનાવનાર અરૂણ ગોવિલે આયોધ્યા રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલા ઐતિહાસિક ચુકાદાને આવકારતા ખુશી વ્યક્ત કરી છે.


એબીપી ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન અરૂણ ગોવિલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનું તમામે સ્વાગત કરવું જોઈએ. આ મામલો છેલ્લા લાંબા સમયથી પેન્ડિંગમાં હતો. એવામાં તેનો ચુકાદો આવવો ખૂબજ સારી વાત છે. ધર્મ, જાતિ, પ્રદેશ આ બધાની ઉપર ઉઠીને આ નિર્ણયને બધાએ સ્વીકાર કરવો જોઈએ.

અરુણ ગોવિલે કહ્યું, આ મામલો વર્ષોથી આપણને ધાર્મિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે દુખી કરી રહ્યો હતો. એવામાં તેનો ઉકેલ આવવો ખૂબજ સારી વાત છે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે કોર્ટ આ પ્રકારના નિર્ણયો કોઈ આસ્થાના આધાર પર નથી આપતા. આવા ચુકાદા મજબૂત પુરાવાના આધારે આપવામાં આવે છે. જે આ મામલામાં પણ થયું છે.

રામ મંદિરના ચુકાદા બાદ બન્ને સમુદાય દ્વારા સંયમ રાખવા પર ગોવિલે કહ્યું- જે રીતે બન્ને સમુદાયના લોકોએ સંયમ દેખાડ્યો છે તે અભિનંદનને પાત્ર છે. તેના પરથી સાબિત થાય છે કે આપણે ભારતીય લોકો હવે માનસિક રીતે પરિપક્વ થઈ ગયા છે. દેશથી મોટું કોઈ નથી હોતું.