નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે, આજે તમામ રાજકીય પાર્ટીઓ પોતાના દિગ્ગજોને મેદાનમાં ઉતરશે. આપથી લઇને બીજેપી અને કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોને દિલ્હીમાં ઉતારી દીધા છે. જોકે, ખાસ વાત છે કે, આજના દિવસે બીજેપી તરફથી મોટી અને લોકપ્રિય હસ્તીઓ મેદાનમાં પ્રચાર કરવા ઉતરવાની છે. જેમાં ધ ગ્રેટ ખલીથી લઇને સાયના નેહવાલ અને નિરહુઆનુ સામલે છે.

આમ આદમી પાર્ટી તરફથી સ્ટાર પ્રચારક અરવિંદ કેજરીવાલ, બીજેપી તરફથી અમિત શાહ રૉડ શૉ કરવાના છે, સાથે જેપી નડ્ડા પણ પ્રચારમાં જોડાશે.

ખાસ વાત છે કે, બીજેપી તરફથી ભોજપુરી અભિનેતા દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆ સાંજે એક મોટી રેલી કરવાના છે. ઉપરાંત WWEના સ્ટાર રેસલર ધ ગ્રેટ ખલી પણ બીજેપી તરફથી પ્રચાર માટે મેદાનમાં ઉતરવાના છે. તાજેતરમાં જ બીજેપીમાં જોડાયેલી બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ પણ બીજેપી માટે દિલ્હીના પ્રચાર મેદાનમાં ઉતરવાની છે.



કોને કેટલી સીટો મળશે ?
એબીપી ન્યૂઝ-સી વોટરના ઓપનિયન પોલ પ્રમાણે આમ આદમી પાર્ટીને 42 થી 56, ભાજપને 10 થી 24, કોંગ્રેસને 0 થી 4 સીટ મળી શકે છે. વોટ શેર પ્રમાણે આમ આદમી પાર્ટીને 45.6%, BJPને 37.1%, કોંગ્રેસને 4.4 % અને અન્યને 12.9% વોટ શેર મળી શકે છે.

11 ફેબ્રુઆરીએ જાહેર થશે પરિણામ
દિલ્હીની કુલ 70 સીટો પર 8 ફેબ્રુઆરી, 2020ના રોજ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. આ વખતે દિલ્હીમાં કુલ 1,46,92,136 વોટર્સ મતાધિકારનો ઉપયોગ કરશે. 13750 પોલિંગ સ્ટેશન બનાવાશે અને 2689 સ્થળ પર વોટિંગ થશે. 90 હજાર કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થશે.



2015માં AAPને મળી 67 સીટ
ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા.

લોકસભામાં ભાજપે મારી બાજી
2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપે તમામ સાત સીટો પર વિજય મેળવ્યો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં મળેલા વોટ શેરના આધારે ભાજપને 65 અને કોંગ્રેસને 5 સીટ મળી શકે છે. આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થતાં નજરે પડે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 56 ટકા, કોંગ્રેસને 22.5 ટકા અને આમ આદમી પાર્ટીને 18.1 ટકા વોટ મળ્યા હતા.

નોંધનીય છે કે, દિલ્હીની 70 વિધાનસભા બેઠક પર 8મી ફેબ્રુઆરીએ મતદાન યોજાવવાનુ છે, જ્યારે 11 ફેબ્રુઆરીએ પરિણામ આવશે.