નવી દિલ્હી: જાણીતા વકીલ અને આરજેડીના રાજ્યસભા સાંસદ રામ જેઠમલાણીનું આજે સવારે લાંબી બીમારી બાદ 95 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા લાંબા સમયથી પથારીવસ હતા. રામ જેઠમલાણીના નિધનથી દેશના ન્યાયિક ક્ષેત્રમાં એક યુગનો અંત માનવામાં આવી રહ્યું છે. જેઠમલાણીના નિધન પર વડાપ્રધાન મોદી સહિત દિલ્હીના મુખ્યમંત્રી, સુબ્રમણ્યમ સ્વામી અને અનેક નેતાઓએ દુખ વ્યક્ત કર્યું છે. રામ જેઠમલાણીના પુત્ર મહેશે જણાવ્યું કે તેમનું અંતિમ સંસ્કાર આજે સાંજે લોધી રોડ સ્મશાનમાં કરવામાં આવશે.


વડાપ્રધાન મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, રામ જેઠમલાણીજીના નિધનથી ભારતના એક અસાધારણ વકીલ અને પ્રતિષ્ઠિત સાર્વજનિક વ્યક્તિ ગુમાવી દીધાં છે. રામ જેઠમલાણીએ ન્યાયાલય અને સંસદ બન્નેમાં સમૃદ્ધ યોગદાન આપ્યું છે. તેઓ મજાકિયા, સાહસી અને ગમે ત્યારે કોઈ પણ વિષય પર સાહસપૂર્વક બોલવામાં સંકોચ રાખતા નહોતા.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જેઠમલાણીના નિધન પર દુખ વ્યક્ત કર્યું. અમતિ શાહે જેઠમલાણીના ઘરે જઈને તેમના અંતિમ દર્શન કર્યાં.


ઉલ્લેખનીય છે જેઠમલાણીએ બે વર્ષ પહેલા વકિલાત છોડી દીધી હતી. રામ જેઠમલાણીના નામ એક ખાસ રેકોર્ડ પણ નોંધાયેલો છે. તેમણે 17 વર્ષની ઉંમરમાં વકીલાતની પરીક્ષા પાસ કરી લીધી હતી. તેમણે કોર્ટની વિશેષ મંજૂરી બાદ 18 વર્ષની ઉંમરમાં જ વકીલાત શરૂ કરી દીધી હતી.




રામ જેઠમલાણીએ ઘણા મહત્વના કેસ લડ્યા હતા. તેઓ રાજીવ ગાંધી અને ઈન્દિરા ગાંધીની હત્યાના આરોપીઓથી લઈને ચારા ઘોટાલાના આરોપી લાલુ પ્રસાદ યાદવ સુધીના નેતાઓના કેસ લડ્યા હતા. આ સિવાય સોહરાબુદ્દીન એન્કાઊન્ટર કેસમાં અમિત શાહનો પણ કેસ લડ્યા હતા. તેમનો સૌથી વિવાદિત કેસ અફઝલ ગુરુની ફાંસી પર બચાવ કરવાનો હતો. આ સિવાય તેમણે જેસિકાલાલ હત્યાકાંડમાં મનુ શર્માનો કેસ લડ્યા હતા.