નવી દિલ્હીઃ કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ 17 મે સુધી લોકડાઉનના લંબાવવાના સરકારના નિર્ણય પર શાસક પક્ષને ઘેર્યો છે. તેમણે કહ્યું, "ગઈકાલે ગૃહ મંત્રાલયે આદેશ જાહેર કરીને 17 મે, 2020 સુધી લોકડાઉન 3 લાગુ કરી દીધું. ન પ્રધાનમંત્રી સામે આવ્યા, ન રાષ્ટ્રને સંબોધન કર્યુ, ન ગૃહમંત્રી આવ્યા, એટલે સુધી કે કોઈ અધિકારી પણ ન આવ્યા. માત્ર એક સત્તાવાર આદેશ આવ્યો."

સુરજેવાલાએ પૂછ્યું કે, મજૂરોની ઘર વાપસી, ભયંકર બેરોજગારી, ઠપ્પ થઈ રહેલા વ્યવસાયો અને સંકટથી ઘેરાયેલા અર્થતંત્રને ઉગારવા માટે સરકાર પાસે શું રોડ મેપ છે. તેમણે કહ્યું, 130 કરોડ ભારતવાસીઓ જાણવા માંગે છે કે લોકડાઉન 3.0 પાછળ શું લક્ષ્ય છે, શું ઉદ્દેશ છે, શું રણનીતિ છે અને શું તે અંતિમ રસ્તો છે. શું લોકડાઉન 3.0 અંતિમ છે અને 17 મે, 2020ના રોજ ખતમ થઈ જશે. કે પછી લોકડાઉન 1.0ની પછી લોકડાઉન 2.0, બાદમાં લોકડાઉન 3.0ની જેમ લોકડાઉન 4.0 અને લોકડાઉન 5.0 પણ આવશે ? તે ક્યારે ખતમ થશે ?

તેમણે કહ્યું, લોકડાઉન 3.0થી બહાર આવ્યા બાદ દેશની ગાડી પાટા પર લાવવાનો શું રસ્તો છે ? દેશના ભવિષ્યને લઈ મોદીજીની શું નીતિ છે ? ખેડૂતોના પાકની કાપણી, ટેકાના ભાવની સાથે ખરીફ પાકની વાવણી તથા ખાતર-બિયારણ-જંતુનાશક દવાઓની ઉપલબ્ધતાનો શું રોડ મેપ છે? 40 કરોડથી વધારે ગામ-શહેરના મજૂરોની રોજી રોટી તથા રાશનની શું વ્યવસ્થા છે? 11 કરોડ નોકરી આપતાં MSME એકમોને કેવી રીતે રાહત આપશો ?



સવાલોને આગળ વધારતા રણદીપ સુરજેવાલાએ પૂછ્યું, મધ્યમ વર્ગ તથા નોકરિયાત લોકોની થતી છટણી તથા પગાર કાપને રોકવાનો શું રસ્તો છે? ટૂરિઝમ તથા હોટલ ઈન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ, કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રી, ઓટો મોબાઇલ તથા આઈટી સપોર્ટ, ટ્રાન્સપોર્ટ તથા એવિએશન ઈન્ડસ્ટ્રીના નુકસાનની ભરપાઈ કરી પુનઃ શરૂ કરવાની શું રણનીતિ છે ? 8-10 કરોડ મજૂરોની સુરક્ષિત તથા સુગમ ઘર વાપસીની ટાઈમલાન તથા રીત શું છે ?

આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પહેલાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવેલા પોતાના સાત સૂચનો ફરી યાદ અપાવ્યા હતા.