લૉકડાઉનની સ્થિતિ પર કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ આજે દેશના તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને પ્રમુખ સ્વાસ્થ્ય સચિવો સાથે બેઠક કરી હતી. કેબિનેટ બેઠકમાં પહેલીવાર રાજ્યોના કોર્પોરેશન કમિશ્નરોને પણ સામેલ કરવામાં આવ્યા હતા.
કોરોના સંકટમાં રાજીવ ગાબાએ સમય સમયે રાજ્યના મુખ્ય અધિકારીઓ સાથે બેઠક કરી છે અને સ્થિતિ અંગે જાણકારી મેળવી છે. આ પહેલા 17મેના રોજ કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ રાજ્યોના મુખ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તે દરમિયાન રાજ્યોને ટ્રેનો શરૂ કરવાની મંજૂરી આપવા મુદ્દે ચર્ચા થઈ હતી. ત્યારે લોકડાઉનનો ચોથો તબક્કો 31 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રાલયે કાલે એક રિપોર્ટમાં લોકાડાઉન-5ને લઈને કરવામાં આવેલા દાવા અને અટકળોને નકારી દીધા હતા. ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, આ વાતો માત્ર અટકળો છે અને આ વાતો સંપૂર્ણપણે આધારહીન છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, લોકડાઉન લંબાવવાની વાતોને ગૃહ મંત્રાલય સાથે જોડવી યોગ્ય નથી કેમ કે લૉકડાઉનની રૂપરેખા દેશનું ગૃહ મંત્રાલય નહીં પણ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નક્કી કરે છે.