નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસના કારણે હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. થોડા સમય પહેલા દારૂની દુકાનો ખોલવાની મંજૂરી મળી હતી પરંતુ દુકાનો ખોલાતા જ લોકોએ સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમના ધજાગરા ઉડાવીને દારૂ ખરીદવા પડાપડી કરી હતી. દારૂની દુકાનો પરથી લોકોની ભીડ ઓછી કરવા દિલ્હી સરકારે ઈ-ટોકન સિસ્ટમ શરૂ કરી હતી. પરંતુ હવે કેરળ સરકારે દારૂની દુકાનો બહારથી ભીડ ઓછી કરવા એપ લોન્ચ કરશે.


BevQ નામની એપ વર્ચુઅલ મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત કામ કરે છે. આ એપ દ્વારા ગ્રાહકો ઘેર બેઠાં ઓર્ડર કરી શકશે. આ એપને ગૂગલે મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થશે. Faircode Technologies નામની સ્ટાર્ટઅપ કંપનીએ આ એપ વિકસાવી છે.

હાલ એપનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને ઓપરેશનલ મોડમાં ચાલી રહી છે. વેબક્યૂ એપ લોન્ચ કરવા પાછળ સરકારનું માનવું છે કે તેનાથી સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન સારી રીતે થઈ શકશે અને લોકો ઘરની બહાર ઓછા નીકળશે.

મનોરમા ઓનલાઈનના રિપોર્ટ પ્રમાણે BevQ Appનો ઉપયોગ કેરળમાં દારૂના વેચાણ માટે ઈ-ટોકન જનરેટ કરવા કરવામાં આવશે. આ એપ GPS ના આધારે ગ્રાહકોને નજીકનો આઉટલેટ બતાવશે. દારૂ ખરીદવા ઈચ્છુક ગ્રાહકો એપ દ્વારા ઓર્ડર આપી શકશે. ઓર્ડર આપ્યા બાદ ગ્રાહકોને એપ પર ક્યૂઆર કોડની સાથે ઈ-ટોકન મળશે. જે બાદ દારૂના દુકાન ધરાવતા વ્યક્તિ દ્વારા સ્કેન કર્યા પછી ગ્રાહકને દારૂ આપવામાં આવશે.

અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જે ગ્રાહકો પાસે ઈ-ટોકન નહીં હોય તે દારૂ નહીં ખરીદી શકે. BevQ App દ્વારા ચાર દિવસમાં માત્ર એક જ વખત દારૂ ખરીદી શકાશે.