નવી દિલ્હીઃ કોરોના વાયરસના ખતરાના કારણે દેશમાં લાગુ થયેલા 21 દિવસના લૉકડાઉનને લઇને રોજ નવી નવી અટકળો સામે આવી રહી છે. હવે ગુરુવારે આને લગતી એક મોટી ખબર સામે આવી હતી. અરુણાચલ પ્રદેશના સીએમે લૉકડાઉનને ખતમ થવા પર એક ટ્વીટ કર્યુ હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કૉન્ફરન્સિંગ પર ચર્ચા કર્યા બાદ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખાંડુએ દાવો કર્યો હતો કે લૉકડાઉન 15મી એપ્રિલે પુરુ થઇ જશે. જોકે બાદમાં સીએમે તરત જ આ ટ્વીટને ડિલીટ કરી દીધુ હતુ. સાથે સાથે કેટલીક સ્પષ્ટતા પણ કરી હતી. આ ટ્વીટને લઇને લૉકડાઉનના સમયગાળા પર ફરીથી ચર્ચા શરૂ થઇ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથીની બેઠકનો એક વીડિયો શેર કરતાં પ્રેમા ખાંડુએ લખ્યુ- ‘લૉકડાઉન 15 એપ્રિલે પુરુ થઇ જશે, પણ આનો મતબલ એ નથી કે લોકો રસ્તાંઓ પર ફરવા માટે આઝાદ થાય. કોરોના વાયરસની અસર ખતમ કરવા માટે દરેકની સરખી જવાબદારી રહેશે. લૉકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગ આનાથી લડવા માટેનો યોગ્ય ઉપાય છે.’



બાદમાં સીએમે આપી સ્પષ્ટતા
આ ટ્વીટને ડિલીટ કર્યા બાદ પ્રેમા ખાંડુએ બીજુ એક ટ્વીટ કર્યુ હતુ, જેમાં સ્પષ્ટતા લખી હતી -'લૉકડાઉનના સમયને લઇને કરવામાં આવેલા અગાઉનું ટ્વીટ એક ઓફિસરે કર્યુ હતુ, જેની હિન્દીની સમજ ખુબ જ ઓછી છે, એટલે ટ્વીટને હટાવી દીધુ છે.'