નવી દિલ્હી: લોકડાઉન-3માં લોકોને રાહત આપવા માટે અનેક રાજ્યમાં કેટલીક છૂટ આપવામાં આવી છે. તેની વચ્ચે ઉત્તરપ્રદેશ સરકારે પણ દારુ બાદ પાન-મસાલાના પ્રોડક્શન, વિતરણ તથા વેચાણ પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો છે. હવે તેના પર ખુદ ભાજપ સાંસદે જ સવાલ ઉઠાવ્યા છે.

ઉત્તરપ્રદેશ સરકારે 25 માર્ચે પાન મસાલાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે આ પગલાથી કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં મદદ મળશે. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનાં પ્રથમ દિવસે અનિશ્ચિત સમય માટે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જો કે, રાજ્યમાં તમાકુ અને પાન મસાલા-ગુટખાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ યથાવત રહેશે.



ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે નશીલા પદાર્થોના વેચાણની મંજૂરી આપવા પર સવાલ ઉઠાવ્યા છે. તેઓએ ટ્વીટ કરીને કહ્યું કે, લૉકડાઉન લોકોના જીવની સુરક્ષા માટે સ્વાસ્થ્ય માટે સારુ છે તો, દારુ, બીડી, સિગરેટ, ગુટખા, પાન-મસાલા વગરે નશીલા પદાર્થોની છૂટ શા માટે આપવામાં આવી ?

એફએસડીએના કમિશ્નર અનીતા સિંહે જાણાવ્યું હતું કે, ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશન યૂપી તથા અન્યની અરજી પર અલ્લાહબાદ હાઈકોર્ટે 17 ડિસેમ્બરના રોજ આપેલા આદેશના અનુપાલનમાં પ્રદેશમાં તમાકુ, નિકોટિનયુક્ત પાન મસાલા, ગુટખાના નિર્માણ, વિતરણ અને વેંચાણ પર લાગેલો પ્રતિબંધ યથાવત રહેશે.