નવી દિલ્હીઃ કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે લોકડાઉન કરવામાં આવ્યુ છે પરંતુ શહેરોમાં શરૂ થયેલી પ્રવાસી મજૂરોના પલાયને સરકારની ચિંતા વધારી દીધી છે. દિલ્હી-મુંબઇ જેવા મહાનગરોમાંથી પોતાના વતન જઇ રહેલા મજૂરો મારફતે ગામડાઓ સુધી કોરોના ફેલાય તેવા ખતરા વચ્ચે ગૃહમંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે અસહાય મજૂરો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે. આ માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પુરતુ ફંડ આપવામાં આવી ચૂક્યુ છે.




નોંધનીય છે કે લોકડાઉનના કારણે શહેરોમાં કામ ન મળવાના કારણે મજૂરોને મુશ્કેલ પરિસ્થિતિમાં આવી ગયા છે. જે દરરોજ કમાઇને ખાઇ રહ્યા હતા. તેમને કામ ન મળવાના કારણે શહેરોમાં રહેવું મુશ્કેલ થઇ રહ્યુ હતું જેના કારણે તેઓ પોતાના વતન જવા નીકળી પડ્યા હતા. બસ અને રેલવે સેવા બંધ હોવાના કારણે હજારો મજૂરો પગપાળા જ પોતાના ગામ જવા નીકળી પડ્યા હતા. દિલ્હીમાંથી મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો વતન જવા નીકળી પડ્યા હતા.

ગૃહમંત્રાલયે કહ્યું કે, તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રહેવા અને જમવાની વ્યવસ્થા કરે. જે લોકો પોતાના ઘરે જવા નીકળ્યા છે તેમને સંબંધિત રાજ્ય નજીક શેલ્ટરમાં રાખવામાં આવે. તેમના સ્ક્રીનિંગ બાદ 14 દિવસો સુધી નજર રાખવામાં આવે.