શ્રીનગરઃ દેશમાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઈ અનેક રાજ્યો અને જિલ્લામાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. આજે જમ્મુ-કાશ્મીર સરકારે કોરોના સંક્રમણના વધતા મામલા અને મોતની સંખ્યાને ધ્યાનમાં રાખી 28 જુલાઈ સુધી કાશ્મીરમાં લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે.

જમ્મુ-કાશ્મીર સરકારના માહિતી અને જનસંપર્ક વિભાગના જણાવ્યા પ્રમાણે, કાશ્મીર જિલ્લાના તમામ રેડ ઝોનમાં 27 જુલાઈ સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. તમામ અધિકારીઓને લોકડાઉનનું કડક પાલન કરાવવા નિર્દેશ આપવામાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન ખેતીવાડી/બાગાયત અને કન્સ્ટ્રક્શન ગતિવિધિ ચાલુ રહેશે.



રાજ્યમાં 24 જુલાઈથી આંશિક લોકડાઉન લગાવવામાં આવશે. આ દરમિયાન તમામ પ્રકારની ગતિવિધિ બંધ રહેશે. શુક્રવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી તમામ વસ્તુઓ બંધ રહેશે. આ દરમિયાન મેડિકલ ઈમરજન્સીના વાહનોને પાસની જરૂર નહીં પડે. જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીના એક દિવસમાં સૌતી વધારે 701 કોવિડ-19 પોઝિટિવ કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાં  કોરોના સંક્રમિતોની સંખ્યા 15,258 પર પહોંચી છે. જ્યારે 263 લોકોના મોત થયા છે. 8,455 લોકો સાજા થઈ ગયા છે અને 6,540 એક્ટિવ કેસ છે.