નવી દિલ્હી: દેશમાં લોકડાઉનનો સમયગાળો 31 મે સુધી વધારવામાં આવ્યો છે. દેશમાં લોકડાઉનનો ચોથો તબક્કો 18 મેથી 31 મે સુધી લાગૂ રહેશે. હવે ગાઈડલાઈન જાહેર થવાની રાહ જોવાઈ રહી છે. લોકડાઉન પર આજે રાત્રે કેબિનેટ સેક્રેટરી તમામ રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ સાથે રાત્રે 9 વાગ્યે વીડિયો કોન્ફ્રન્સિંગના માધ્યમથી વાત કરશે.


ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારીમાં આ ચોથું લોકડાઉન છે. સૌથી પહેલા 25 માર્ચથી 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ તેને વધારીને 15 એપ્રીલથી 3 મે સુધી કરવામાં આવ્યું હતું. તેને પણ વધારી 4 મેથી 17 મે સુધી કરી દેવામાં આવ્યું હતું. હવે તેને વધારીને 18 મેથી 31 મે સુધી કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં ચાર રાજ્યોએ પહેલા જ લોકડાઉનો સમયગાળો વધારી દીધો છે. આજે તમિલનાડુએ સાંજે લોકડાઉન 31 મે સુધી વધારવાની જાહેરાત કરી હતી. તમિલનાડુ પહેલા મહારાષ્ટ્ર સરકારે લોકડાઉનનો સમયગાળો 31 મે સુધી વધારવાની જાહેરાત કરી હતી. આ પહેલા પંજાબ સરકાર પણ લોકડાઉન લંબાવ્ચું હતું. મિઝોરમમાં પણ લોકડાઉન 31 મે સુધી લંબાવાયું છે.