નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને સંક્રમિતોની સંખ્યા 11 લાખને પાર કરી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 40,225 નવા કેસ સામે આવ્યા છે અને 681 લોકોના મોત થયા છે. દેસમાં કુલ સંક્રમિતોની સંખ્યા 11,18,043 થઈ છે. જેમાંથી 3,90,459 એક્ટિવ કેસ છે અને 7,00,087 લોકો ઠીક થઈ ગયા છે. 27,497 લોકોએ જીવ ગુમાવ્યો છે.


છત્તીસગઢઃ રાયપુર ડિસ્ટ્રીક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા રાયપુર અને બિરાગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં 22 જુલાઈથી 28 જુલાઈ મધરાત સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન માત્ર જરૂરિયાતની વસ્તુઓને જ છૂટ રહેશે. છત્તીસગઢ સરકારે મોટો ફેંસલો લેતા રાજ્યના તમામ ક્લબ, રેસ્ટોરંટ, બાર અને હોટલને 2 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે.



મહારાષ્ટ્રઃ દેશમાં મહારાષ્ટ્ર કોરોના સંક્રમિતોની સંખ્યામાં ટોચ પર છે. રાજ્યમાં નાગપુરમાં 15 ઓગસ્ટ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પુણેમાં લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. બીજો તબક્કો 23 જુલાઈ સુધી રહેશે. માત્ર મેડિકલ સ્ટોર, ડેરી, હોસ્પિટલ અને જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ વસ્તુઓ બંધ રહેશે.

ઉત્તરપ્રદેશઃ લખનઉમાં કોરોનાના વધી રહેલા મામલાને લઈ અનેક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ગાઝીપુર, ઈંદિરાનગર, આશિયાના અને સરોજિની નગર પોલીસ સ્ટેશનમાં લોકડાઉન લાગુ કરાયું છે.

બિહારઃ કોરોના વાયરસના સંક્રમણને જોતા બિહારમાં 31 જુલાઈ સુધી લોકડાઉન લાદવામાં આવ્યું છે. રાજ્યમાં ઈમરજન્સી સેવાને બાદ કરતાં પરિવહન સેવા, શોપિંગ મોલ, ધાર્મિક સ્થળો પૂરી રીતે બંધ રહેશે.

જમ્મુ-કાશ્મીરઃ જમ્મુના ડિસી સુષમા ચૌહાણે જિલ્લામાં 24 જુલાઈથી વીકેંડ લોકડાઉન લાગુ કરવાનો આદેશ કર્યો છે.  24 જુલાઈ, શુક્રવાર સાંજે છ વાગ્યાથી સોમવાર, સવારે છ વાગ્યા સુધી લોકડાઉન રહેશે. આ દરમિયાન તમામ પ્રકારની ગતિવિધિ બંધ રહેશે. માત્ર મેડિકલ ઇમરજન્સીને છૂટ રહેશે.



ગોવાઃ ગોવામાં ત્રણ દિવસનું લોકડાઉન રવિવારે ખતમ થઈ ગયું છે. પરંતુ રાતે જનતા કર્ફ્યુ 10 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.

કર્ણાટકઃ રાજ્યના કાલાબુરગી જિલ્લામાં કોરોનાના કેસ નિયંત્રણમાં નહીં આવતા ડેપ્યુટી કમિશ્નર બી શરતે જિલ્લામાં 27 જુલાઈ સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે.



કેરળઃ તિરુવનંતપુરમ કોર્પોરેશનના જણાવ્યા મુજબ 28 જુલાઈ સુધી કડક લોકડાઉન ચાલુ રહેશે.



અરૂણાચલ પ્રદેશઃ રાજ્યના મુખ્ય સચિવ નરેશ કુમારે જણાવ્યું ઈટાનગરમાં આગામી બે સપ્તાહ સુધી સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન રહેશે.