નવી દિલ્હીઃ લોકડાઉનમાં દારૂને લઈ સૌથી વધારે ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો એકબીજાને 4 મેથી દારૂ મળશે કે નહીં તે પૂછી રહ્યા છે. દારૂના વેચાણને લઈ ગૃહ મંત્રાલયનો શું આદેશ છે? રેડ, ઓરેન્જ, ગ્રીન ઝોન... 4 મેથી ક્યાં દારૂ મળશે? શું 4 મે થી સમગ્ર દેશમાં દારૂની દુકાનો ખુલી જશે ? આવા સવાલો સોશિયલ મીડિયામાં થઈ રહે છે.

1 મેના રોજ ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ઓર્ડર નંબર 40-3/2020 DM 1(A) ના Annexure એકમાં સાર્વજનિક સ્થળોને લઈ દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. આ સૂચીમાં નંબર સાતમાં કહેવામાં આવ્યું છે કે જાહેર સ્થળો પર દારૂ પીવા અને પાન, ગુટખા, તમાકુ વગેરેના વેચાણની મંજૂરી નહીં હોય.

તેના બરાબર નીચે એટલે કે આઠ નંબરમાં કહેવામાં આવ્યું છે કે, દારૂની દુકાનો અને પાન, ગુટખા, તમાકુ વગેરેની દુકાનોએ ગ્રાહકો વચ્ચે ઓછામાં ઓછું પાંચથી છ ફૂટનું અંતર જાળવવું પડશે અને દુકાન પર એક સમયે પાંચથી વધારે લોકો ભેગા ન થવા જોઈએ.

ઓર્ડરમાં કયા ઝોનમાં દુકાનો ખુલશે અને ક્યાં બંધ રહેશે તેનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે રેડ, ઓરેંજ અને ગ્રીન એમ ત્રણેય ઝોનમાં દુકાનો ખોલવાની મંજૂરી હશે, પરંતુ યાદ રાખો કે કંટેનમેંટ ઝોન એટલે કે જ્યાં સંક્રમિતોની સંખ્યા વધારે છે અને સીલ કરી દેવામાં આવ્યા છે ત્યા કોઈપણ પ્રકારના વ્યવસાયિક ગતિવિધિની છૂટ નથી આપવામાં આવી. તેથી આવા વિસ્તારમાં દારૂ કે પાન-મસાલા-તમાકુની દુકાનો નહીં ખુલે.