રાયપુરઃ છત્તીસગઢમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે રાજ્ય સરકારે રાજધાની રાયપુર સહિત 10 જિલ્લામાં તાળાબંધી કરવાનો નિર્ણય લીધો છે. તંત્ર દ્વારા રાયપુરને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, અહીં હાલ દૈનિક 1,000 કેસ નોંધાઈ રહ્યા છે. છત્તીસગઢમાં કોરોનાનો પ્રકોપ જોતાં 10 જિલ્લામાં આજે રાતે 9 વાગ્યાથી 28 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

રાયપુરના કલેકટર એસ ભારથી દાસને ઓર્ડર જાહેર કરતાં કહ્યું, કોવિડ-19ની ચેન તોડવા સમ્રગ રાયપુર જિલ્લાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવો જરૂરી હતો. રાયપુરને સાંકળતી જિલ્લા બોર્ડર લોકડાઉન દરમિયાન સીલ કરવામાં આવશે. તમામ સરકારી, ખાનગી ઓફિસો બંધ રહેશે. રાયપુર સિવાય જશપુર, બાલોડા બઝાર, જંજગિર-ચાંપા, દુર્ગ, ભિલાઈ, ધામત્રી, બિલાસપુર સહિતના જિલ્લામાં પણ 28 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લાદવામાં આવ્યું છે.



તંત્રએ લોકડાઉનનો કડક અમલ કરાવવાનો ફેંસલો લીધો છે. લોકોને ઘરની બહાર નીકળવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. લોકડાઉન દરમિયાન દવા લેવા કે હોસ્પિટલ જવાની જરૂરિયાત ઉભી થાય તો ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન સાથે લઈ જવું પડશે. આ સિવાય ઘરની બહાર નીકળવા પર પોલીસ અને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

તંત્ર દ્વારા જણાવવામાં આવ્યા મુજબ, દવાની દુકાનો ખુલ્લી રાખી શકાશે પરંતુ કરિયાણા સહિતની તમામ દુકાનો બંધ રહેશે. દૂધની ડેરી સવારે 6 થી 8 અને સાંજે 5 થી 6.30 કલાક એમ બે શિફ્ટમાં ખોલી શકાશે. પેટ્રોલ પંપને સરકારી વાહનો અને જરૂરી સેવાઓ સાથે સંકળાયેલા ખાનગી વાહનોને જ પેટ્રોલ આપવાનો ઓર્ડર કરાયો છે.



રાયપુરના ડીએસપી ટ્રાફિકે જણાવ્યું કે, રાજધાનીના તમામ ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ 21 સપ્ટેમ્બર રાતથી બંધ કરી દેવામાં આવશે. સાત દિવસ સુધી શહેરમાં ઝિક જેકર અને સ્ટોપર લાગેલા રહેશે. આ દરમિયાન પોલીસ ફ્લેગ માર્ચ કરશે. ડ્રોન કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે. શહેરના આઠ એન્ટ્રી પોઈન્ટ પર આવતાં-જતાં તમામ લોકો પર નજર રાખવામાં આવશે.