નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત સાતમા દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા. આજે દેશમાં પ્રથમ વખત 24 કલાકમાં કોરોનાથી મૃત્યુઆંક ત્રણ હજારને પાર થયો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 29 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 


દેશના 150 જિલ્લામાં કોવિડ-19 પોઝિટિવિટી રેટ 15 ટકાથી વધારે છે ત્યાં લોકડાઉન લાદવામાં આવી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ જિલ્લાને લઈ આવું પગલું ભરવાની ભલામણ કરવામાં આવી હતી. પરંતુ કેન્દ્ર સરકાર અંતિમ ફેંસલો રાજ્ય સરકાર સાથે ચર્ચા બાદ લેશે. મંત્રાલયે વધારે લોડ અને હાઇ પોઝિટિવિટી રેટવાળા જિલ્લામાં સંક્રમણ અટકાવવા તાત્કાલિક કડક પગલાં લેવા જણાવ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, અમારા વિશ્લેષણ પરથી ખબર પડી છે કે વધારે પોઝિટિવિટી રેટ વાળા જિલ્લામાં લોકડાઉન જેવા ઉપાય આગામી થોડા સપ્તાહમાં સંક્રમણની ચેન તોડવા માટે જરૂરી છે.


આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ


સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. આ રાજ્યોના કેટલાક જિલ્લામાં પોઝિટિવિટી રેટ ખૂબ વધારે છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,60,960 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3293 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,61,162 લોકો ઠીક પણ થયા છે. 



  • કુલ કેસ-  એક કરોડ 79 લાખ 97 હજાર 267

  • કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 48 લાખ 17 હજાર 371

  • કુલ એક્ટિવ કેસ - 29 લાખ 78 હજાર 709

  • કુલ મોત - 2 લાખ 01 હજાર 709


દેશમાં છેલ્લા સાત દિવસમાં નોંધાયેલા કેસ  



  • 27 એપ્રિલઃ 3,23,144

  • 26 એપ્રિલઃ 3,53,991

  • 25 એપ્રિલઃ 3,49,691

  • 24 એપ્રિલઃ 3,46,786

  • 23 એપ્રિલઃ 3,32,730

  • 22 એપ્રિલઃ 3,14,835