અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવતાં રાજ્યમાં કોરોનાને નાથવા માટે ફરી લોકડાઉન લાદવાંમાં આવશે એવી અટકળો શરૂ થઈ છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાના કેસો વધતાં રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં તેવા સવાલના જવાબમાં જણાવ્યું કે, હાલમાં લોકડાઉન લાદવાની કોઈ વિચારણા નથી પણ જરૂર પડશે તો કોરોનાના કેસોને નાથવા માટેનાં આકરાં પગલાં લઈને વ્યવસ્થા વધારીશું.


પટેલે જણાવ્યું તે. તહેવારોમાં માર્કેટમાં સામાન્ય રીતે લોકો બહાર નીકળતા હોય છે તેના કારણે સંક્રમણ વધ્યું છે. દિવાળી બાદ સ્કૂલો પણ ચાલુ થશે અને ઓડ ઇવન સિસ્ટમ રાખી છે. હાલમાં પહેલા 9 થી 12 સુધી જ કલાસ ચાલુ કરવાના છે. એ સ્થિતિ પર પણ સરકાર નજર રાખી રહી છે. અમારી કોર કમિટીની દરરોજ બેઠક થાય છે અને તહેવાર સમયે જરૂરી પગલાં લેવામાં આવે છે એ લેવાયાં છે. લોકડાઉન લાદવાની હમણાં કોઈ વિચારણા નથી.

ગુજરાતમાં કોરોનાના કેસ સતત કેસ વધી રહ્યા છે તેથી નવા વર્ષમાં કોરોના ચિંતાનો વિષય બન્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. આ કારણે નવા વર્ષના પહેલા દિવસે પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના સામેની લડતમાં વ્યસ્ત રહ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચેલા પટેલે હોસ્પિટલના અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમણે હોસ્પિટલમાં વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરી હતી.