પટના: લોક જનશક્તિ પાર્ટીએ ગુરૂવારે બિહાર વિધાનસભા ચૂંટણી 2020 માટે પોતાના 42 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. જેમાં ભારતીય જનતા પાર્ટી છોડીને એલજેપીમાં સામેલ થયેલા રામેશ્વર ચૌરસિયા, ઉષા વિદ્યાર્થી અને રાજેંદ્ર સિંહને ટિકિટ આપવામાં આવી છે. રામેશ્વર ચૌરસિયા સાસારામથી ઉષા વિદ્યાર્થી પાલીગંજ અને રાજેન્દ્ર સિંહને દિનારાથી પોતાનું ભાગ્ય અજમાવશે. ઉમેદવારોની જાહેરાત બાદ લોજપા અધ્યક્ષ ચિરાગ પાસવાને ફરી એક વખત જેડીયૂ પર કટાક્ષ કર્યો છે.




ટ્વિટર પર ચિરાગ પાસવાને લખ્યું કે લોક જનશક્તિ પાર્ટીના તમામ ઉમેદવારોને બિહાર વિધાનસભા ચૂંટણી માટે ખૂબ શુભેચ્છાઓ. બિહારના આવનારા ભવિષ્ય માટે તમારા બધાનું જીતવું જરૂરી છે. ચિરાગે કહ્યું જેડીયૂને વોટ આપવાનો મતલબ બિહારને બરબાદ કરવું છે. તેમણે કહ્યું પિતા (રામવિલાસ પાસવાન)ની તબિયત વધારે ખરાબ હોવાના કારણે તમારા બધા વચ્ચે હાલ નથી આવી શકતો. જલ્દી મળશું.

બિહારમાં વિધાનસભાની કુલ 243 સીટ છે. રાજ્યમાં 28 નવેમ્બરે પ્રથમ તબક્કામાં 71 સીટ પર, 3 નવેમ્બરે બીજા તબક્કમાં 94 સીટ પર અને 7 નવેમ્બરે ત્રીજા તબક્કામાં 78 સીટ પર વોટિંગ થશે. 10 નવેમ્બરે મત ગણતરી થશે.