Lok Sabha Election 2024: દેશમાં હાલ લોકસભા ચૂંટણી 2024નો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન, ગુરુવારે (4 એપ્રિલ) 183 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં કેસી વેણુગોપાલ, કર્ણાટકના પૂર્વ સીએમ એચડી કુમારસ્વામી અને રાજીવ ચંદ્રશેખર જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. હાલમાં ભાજપ કૉંગ્રેસ સહિત તમામ પક્ષો ચૂંટણીના પ્રચારમાં લાગ્યા છે.
ભાજપ નેતા તેજસ્વી સૂર્યાએ બેંગલુરુ દક્ષિણથી ઉમેદવારી નોંધાવી હતી. તેજસ્વી સૂર્યાના નોમિનેશન વખતે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હાજર હતા. સૂર્યાએ તેની એફિડેવિટમાં કુલ રૂપિયા 4.10 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. ભાજપના સાંસદે કહ્યું કે તેમની પાસે કોઈ સ્થાવર મિલકત નથી.
તેમની સંપત્તિ 2019ની લોકસભા ચૂંટણીમાં જાહેર કરાયેલા 13 લાખ રૂપિયા કરતાં 31.5 ટકા વધુ છે. સૂર્યાની કુલ સંપત્તિ 4.10 કરોડ રૂપિયા છે. તેમણે મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 1.99 કરોડનું રોકાણ કર્યું છે. 1.79 કરોડથી વધુના શેર પણ ખરીદ્યા છે. સૂર્યાએ પોતાના સોગંદનામામાં જણાવ્યું હતું કે તેણે મોટા ભાગના પૈસા મ્યુચ્યુઅલ ફંડ અને શેરોમાં રોક્યા હતા અને બજારમાં તેજીના કારણે તેમની સંપત્તિમાં વધારો થયો હતો.
ભાજપ નેતા તેજસ્વી સૂર્યા વ્યવસાયે વકીલ છે
સૂર્યા બેંગલોર ઇન્સ્ટિટ્યૂટ ઑફ લીગલ સ્ટડીઝના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કર્ણાટક હાઈકોર્ટમાં વકીલ છે. તેઓ બીજેપી નેતા અને બસવનગુડીના ધારાસભ્ય રવિ સુબ્રમણ્યમના ભત્રીજા છે. તેઓ બેંગલુરુ દક્ષિણના વર્તમાન સાંસદ છે. 2019માં તેમણે કોંગ્રેસના ઉમેદવાર હરિપ્રસાદને ત્રણ લાખથી વધુ મતોથી હરાવ્યા હતા.
કર્ણાટકમાં ક્યારે થશે ચૂંટણી ?
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ વખતે દેશભરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે 1 જૂને મતદાન થશે. જો કર્ણાટકની વાત કરીએ તો રાજ્યની 28 સીટો માટે બીજા અને ત્રીજા તબક્કામાં મતદાન થશે.
બીજા તબક્કામાં કર્ણાટકમાં ઉડુપી-ચિકમગલુર, હાસન, દક્ષિણ કન્નડ, ચિત્રદુર્ગ, તુમકુર, માંડ્યા, મૈસૂર, ચામરાજનગર, બેંગ્લોર ગ્રામીણ, બેંગ્લોર ઉત્તર, બેંગ્લોર સેન્ટ્રલ, બેંગ્લોર દક્ષિણ, ચિકબલપુર અને કોલારની બેઠકો પર મતદાન થશે. જ્યારે ત્રીજા તબક્કા માટે ચિકોડી, બેલગામ, બાગલકોટ, બીજાપુર, ગુલબર્ગા, રાયચુર, બીદર, કોપ્પલ, બેલ્લારી, હાવેરી, ધારવાડ, ઉત્તરા કન્નડ, દાવંગેરે અને શિમોગાની બેઠકો પર મતદાન થશે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial