Lok Sabha election phase 7: લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને છેલ્લા તબક્કા માટે શનિવારે (1 જૂન) મતદાન થવાનું છે. આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 904 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. સાતમા તબક્કામાં સાત રાજ્યો બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પંજાબ અને એક કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં મતદાન થશે. આ સિવાય શનિવારે ઓડિશામાં બાકીની 42 વિધાનસભા સીટો પર પણ મતદાન થવાનું છે.


છેલ્લા તબક્કામાં 10 કરોડથી વધુ લોકો મતદાન કરશે


18મી લોકસભાની ચૂંટણી 19 એપ્રિલે શરૂ થઈ હતી, જે 1 જૂનના રોજ સમાપ્ત થશે. ચૂંટણીના છ તબક્કામાં અત્યાર સુધીમાં 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 486 લોકસભા બેઠકો પર મતદાન થયું છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ચૂંટણીના છેલ્લા તબક્કામાં 10.06 કરોડથી વધુ મતદાતાઓ પોતાનો મત આપશે, જેમાં લગભગ 5.24 કરોડ પુરૂષો, 4.82 કરોડ મહિલાઓ અને 3574 થર્ડ જેન્ડર  મતદારોનો સમાવેશ થાય છે.


કયા રાજ્યની કેટલી બેઠકો પર મતદાન?


ચૂંટણીના ત્રીજા તબક્કામાં ઉત્તર પ્રદેશની 13, પંજાબની 13, ઝારખંડની છ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર, પશ્ચિમ બંગાળની 9, બિહારની એક અને ચંદીગઢની એક બેઠક પર મતદાન થવાનું છે. 


લોકોની નજર આ VIP સીટો પર છે


આ દરમિયાન ઘણી એવી VIP સીટો છે જેના પર સમગ્ર દેશની નજર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસે અજય રાયને ટિકિટ આપી છે, જેઓ છેલ્લી બે લોકસભા ચૂંટણીથી પીએમ મોદી સામે ચૂંટણી લડી રહ્યા છે.


આ સિવાય બધાની નજર ગોરખપુર સીટ પરથી ભાજપના ઉમેદવાર રવિ કિશન પર પણ રહેશે. તેમની સામે સમાજવાદી પાર્ટીની ટિકિટ પર કાજલ નિષાદ ચૂંટણી લડી રહ્યા છે. હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ભાજપે અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપી છે. આ સીટ પર જોરદાર મુકાબલો થવાની આશા છે, કારણ કે કોંગ્રેસે અહીંથી વિક્રમાદિત્ય સિંહને ટિકિટ આપી છે. આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ કહેવાય છે.


લોકોની નજર હિમાચલની હમીરપુર સીટ પર પણ રહેશે, કારણ કે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે 2009, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં આ સીટ જીતી હતી. TMC પાર્ટીએ પશ્ચિમ બંગાળની ડાયમંડ હાર્બર લોકસભા સીટ પરથી અભિષેક બેનર્જીને મેદાનમાં ઉતાર્યા છે.


આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની મોટી પુત્રી મીસા ભારતી બિહારની પાટલીપુત્ર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં RJDમાંથી ભાજપમાં જોડાયેલા દિગ્ગજ નેતા રામકૃપાલ યાદવે મીસા ભારતીને હરાવ્યા હતા. આ પછી 2019ની લોકસભા ચૂંટણીમાં પણ રામકૃપાલ યાદવે મીસા ભારતીને હરાવ્યા હતા.