Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 ના પાંચમા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર સોમવારે (20 મે) મતદાન સમાપ્ત થયું. પાંચમા તબક્કામાં 60 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. જો કે આ આંકડામાં હજુ વધારો થઈ શકે છે. ચૂંટણી પંચની વોટર ટર્નઆઉટ એપ અનુસાર પાંચમા તબક્કામાં અત્યાર સુધીમાં 59.36 ટકા મતદાન થયું છે.


પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 73.14 ટકા મતદાન નોંધાયું હતું. મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 54.16 ટકા મતદાન થયું હતું. બિહારમાં 53.86 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 56.04 ટકા, ઝારખંડમાં 63.06 ટકા, લદ્દાખમાં 68.47 ટકા, ઓડિશામાં 63.44 ટકા અને ઉત્તર પ્રદેશમાં 57.79 ટકા મતદાન થયું હતું.


મુંબઈમાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ


મુંબઈની દક્ષિણ-મધ્ય લોકસભા સીટના સાયન વિસ્તારમાં આવેલી લિટલ એન્જલ સ્કૂલમાં ચાલી રહેલા વોટિંગ દરમિયાન કોંગ્રેસ અને બીજેપીના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. ભાજપના કાર્યકરોનો દાવો છે કે તેઓ મતદાન મથકથી 100 મીટર દૂર મતદારોને વોટિંગ સ્લિપ આપી રહ્યા હતા. તેના પર કોંગ્રેસના પદાધિકારીઓએ આરોપ લગાવ્યો કે ભાજપના લોકો 100 મીટર દૂર નહીં પરંતુ મતદાન મથકની નજીક જઈને મતદાન પ્રક્રિયામાં દખલ કરી રહ્યા છે.


આ પછી કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા અને ભાજપે દાવો કર્યો કે બે લોકોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ભાજપના કાર્યકરની ફરિયાદના આધારે સાયન પોલીસે બે અજાણ્યા લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 506 (2) હેઠળ એફઆઈઆર નોંધી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ બેઠક પર શિવસેના (શિંદે જૂથ)ના રાહુલ શેવાળે અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના અનિલ દેસાઈ વચ્ચે જંગ છે.


વિરોધ પક્ષોએ બોગસ મતદાનના આરોપો લગાવ્યા હતા


સમાજવાદી પાર્ટીએ દાવો કર્યો છે કે ઉત્તર પ્રદેશના કૌશામ્બીની લોકસભાની કુંડા વિધાનસભામાં પ્રિસાઇડિંગ ઓફિસર પોતે મતદારોના મત આપી રહ્યા છે. ચૂંટણી પંચે સંજ્ઞાન લેવું જોઈએ, નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવું જોઈએ.


રાયબરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીએ બછરાવન મતદાન મથકનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે લોકો સાથે વાત પણ કરી હતી. સપાએ દાવો કર્યો કે ગોંડા લોકસભા સીટ પર પણ મતદારોને ડરાવી-ધમકાવીને ભાજપની તરફેણમાં મતદાન કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે.


રાજનેતાઓથી લઈને અભિનેતાઓ પણ મતદાન કર્યું


લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં તમામ અભિનેતાઓ અને અભિનેત્રીઓ મુંબઈની માયાનગરીમાં મતદાન કરતા જોવા મળ્યા હતા. માધુરી દીક્ષિતથી લઈને જ્હાન્વી કપૂરે પાંચમા તબક્કામાં મતદાન કર્યું. સદીના મહાનાયક અમિતાભ બચ્ચનથી લઈને અરશદ વારસીએ , તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે લખનૌમાં મતદાન કર્યું હતું.